લૂંટો ગુજરાત ! કચ્છમાં આજથી તૂટેલી પાપડી તેમજ ખાડાઓથી સુસજ્જ માર્ગો પર હેલ્મેટ ફરજિયાત

Contact News Publisher

કચ્છમાં રસ્તા બનાવનારા કોન્ટ્રાક્ટરો અને કંપનીઓને સજા આપવાને બદલે ભોળી કચ્છી પ્રજાને ત્રાસ આપવાનું બંધ કરો. લોકડાઉનને કારણે લોકો પહેલેથી ભીંસમાં છે. મોટાભાગના પરિવારો નાણાતંગીનો ભોગ બન્યા છે. ઓ લૂંટારાઓ, લૂંટવાની પણ હદ્દ હોય. માસ્ક ન પહેર્યા હોય એને તો બહુ લૂંટ્યા, કરોડોનું ભંડોળ ભેગું કરી લીધું. હજુ ચેન નથી પડ્યું? રોડ-રસ્તાના ટેન્ડર જેમને મળ્યા છે, એમને દાનતખોરી બદલ સજા નહીં આપો? કાગળ પરનો વિકાસ અને કાગળ પરની નીતિઓ! પ્રજાની કોણીએ ગોળ ચોપડવાનું બંધ કરો. – આ તમામ શબ્દો અમારા નહીં પણ આજે સરકારના નપાવટ તંત્રના નિર્દયી નિર્ણયને લીધે કચ્છી પ્રજાના હ્રદયમાંથી ઉઠેલો આક્રોશ ભભૂકતા શબ્દો સ્વરૂપે બહાર નીકળી રહ્યો છે.

ઇટ્સ હાઇ-ટાઇમ, ગુજરાત સરકાર! રેલીઓ કાઢવાનું બંધ કરી પ્રગતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરો. લોકો પાસેથી દંડ વસૂલીને તિજોરી ભરવાનું બંધ કરીને ગુજરાતમાં સારી-સારી કંપનીઓ ખેંચી લાવો, જેથી અર્થતંત્ર ફરી વીજળી વેગે દોડતું થઈ શકે. નાગરિકો પાસેથી પૈસા ભીખીને સરકાર ચલાવવાને બદલે એવી યોજનાઓ બનાવો, જેથી લોકોને રોજગારી મળે અને સરકારને મૂડી! બાકી તો, 2022 વધુ દૂર નથી એ યાદ રાખજો તેવો કચ્છી પ્રજાએ ઉકળાટ ઠાલવ્યો છે.
કચ્છનું વહીવટી તંત્ર ઓવરલોડ સહિતની કામગીરી સદંતર નિષ્ફળ રહ્યું છે તો આરટીઓની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે, કચ્છમાં ખનીજ માફિયાઓએ તો રીતસરનો ડેરો જમાવ્યો છે, ત્યારે નિંભર થઈને બેઠા ન રહો તો સારું. પ્રજા માટે અંતરથી કંઈક સારું કરવાની ખેવના રાખશો, તો આ જ કચ્છી પ્રજા તમને પાંપણ પર સજાવીને રાખશે એટલી દિલદાર છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *