મોટો ભૂકંપ આવે તો અરેબીયન સાગર સૌરાષ્ટ્ર-કચ્છને તહસ-નહસ કરે તેવી ભીતિ

Contact News Publisher

કાસમ તારી વીજળી મધદરિયે વેરણ થઈ. વૈતરણા નામનું જહાજ માંડવીથી મુંબઈ જઈ રહ્યું હતુ તે દરમિયાન સૌરાષ્ટ્રના ઓખામાં વાવાઝોડુ ઉપડતા તે મધદરિયે પાણીમાં ગરકાવ થઈ ગયું હતુ. આ દુર્ઘટના ૮ ડિસેમ્બર ને ૧૮૮૮માં ઘટી હતી. આ જહાજને ‘ગુજરાત ટાઈટેનિક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દુર્ઘટનામાં આશરે ૭૪૦ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેના સ્મરણ માત્રથી આજે પણ કમકમાટી થઈ ઉઠે છે. ત્યારે આવી ભયાનક આફતોનો ભય વધુને વધુ સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાત અને સંપૂર્ણ પશ્ર્ચિમ ઘાટ પર મંડરાઈ રહ્યો છે. અરબસાગરની સુનામી સૌરાષ્ટ્ર-કચ્છને તહસનહસ કરી દેશે તેવી ભીતિ તોળાઈ રહી છે.

ભારતમાં સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટરનો દરિયા કિનારો એકલુ ગુજરાત ધરાવે છે. ત્યારે આ દરિયાકિનારે ઉદભવતી કુદરતી આફતોનો ભય પણ સૌથી વધુ ગુજરાત પર જ મંડરાઈ રહ્યો છે. હાલ સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભૂકંપના આંચકાના બનાવમાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આ ધરતીકંપના વારંવાર આંચકા પાછળ અરબસાગર જ કારણભૂત પરિબળ છે. ત્યારે તાજેતરમાં બેંગ્લોરના વૈજ્ઞાનિકોએ એક અહેવાલ રજૂ કર્યો છે જેમાં તેમણે અરબસાગરમાં ઉદભવનારી સુનામીની સૌરાષ્ટ્ર-કચ્છ અને સંપૂર્ણ પશ્ર્ચિમઘાટ ઉપર મંડરાઈ રહેલા ખતરા પર સ્પષ્ટ વાત કરી છે.

બેંગ્લોર સ્થિત જવાહરલાલ નહેરૂ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટીફીક રીસર્ચના સી.પી. રાજેન્દ્રએ જણાવ્યું છે કે જો ૯ની તીવ્રતાનો ભૂકંપ આવશે તો તે અરબી સમુદ્રમાં ભયાનક મોજા ઉછાળશે અને મોટી સુનામીને નોતરશે તેમણે વર્ષ ૧૯૪૫માં કચ્છના મેકરણમાં થયેલા ભૂકંપ પર પ્રકાશ પાડતા કહ્યું કે અમે આ દુર્ઘટના પર ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યા છે. ૧૯૪૫માં ૮.૧ની તીવ્રતાના ભૂકંપે મોટી જાનહાની સર્જી હતી જેનાથી કચ્છમાં ‘અલ્લાહબંધ’નું નિર્માણ થયું હતુ.
હાલની સ્થિતિમાં ધરતીનાં સતત વધી રહેલા તાપમાન અને જળવાયું પરિવર્તન જેવા કલાઈમેન્ટ ચેન્જના પડકારોને કારણે આવી કુદરતી આફતોનો ભય વધુ વધ્યો છે. ઉલ્લેખનીય છે કે, ન્યુયોર્કમાં જળવાયું પરિવર્તન પરના સંયુકત રાષ્ટ્રના શિખર સંમેલન અગાઉ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી અને જણાવ્યું હતુ કે, ધરતીનું તાપમાન ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *