કચ્છમાં કોરોનાકાળમાં મલ્ટિ વિટામિન ગોળીઓના ભાવ બમણા થયા

Contact News Publisher

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આ મહામારીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારનો આયુષ વિભાગ હોય કે પછી નિષ્ણાત તબીબો હોય તમામ દ્વારા ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારવાની જ સલાહ અપાય છે, ત્યારે કોરોનાકાળમાં મલ્ટિ વિટામિન ગોળીઓને વપરાશ વધતાં મોટા ભાગની દવા ઉત્પાદક કંપનીઓએ તકનો લાભ લઇ વિટામિન સી અને ઝીંકવાળી ટેબ્લેટનો ભાવ બમણો કરી નાખ્યો છે, તો અન્ય દવાઓના ભાવમાં પણ સરેરાશ 10થી 35 ટકાનો વધારો થયાનું આ સાથે સંકળાયેલા વ્યવસાયકર્તાઓ પાસેથી જાણવા મળ્યું છે.

કોરોનાકાળમાં મલ્ટિ વિટામિન ગોળીઓનો વપરાશ વધતાં બ્રાન્ડેડ તેમજ અન્ય દવા ઉત્પાદક કંપનીઓએ આવી ગોળીઓના ભાવમાં 50 ટકાનો વધારો છેલ્લા છ માસથી કરી જ નાખ્યો છે. તો કેટલીક કંપનીઓએ તો એથી પણ ઉપર જઇને ૧૫૦ ટકા સુધીનો મોટો વધારો ઝીંકી દેતાં છેવટે તો મોટું આર્થિક ભારણ પ્રજાજનો પર આવી પડયું છે. કચ્છ જિલ્લા કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશનના પ્રમુખે આ વાતને સમર્થન આપતાં કહ્યું કે, હા વિટામિન સી અને ઝીંકની ટેબ્લેટના ભાવમાં મોટો વધારો થયો છે. ભાવવધારાનું કારણ સ્પષ્ટ કરતાં તેમણે ઉમેર્યું કે, દવા ઉત્પાદક કંપનીઓ ડ્રગ્સ અને ફૂડ એમ બે અલગ અલગ પ્રકારના લાયસન્સ લેતી હોય છે. ડ્રગ્સનું લાયસન્સ હોય તો જેતે ટેબ્લેટની એમઆરપી પર સરકારની સતત નજર રહેવા સાથે એક પ્રકારે ભાવબાંધણું જ બંધાઇ જતું હોય છે. જેથી ઘણીખરી આવી ઉત્પાદક કંપનીઓએ ડ્રગ્સમાંથી પોતાનું લાયસન્સ ફૂડ વિભાગમાં તબદીલ કરાવી દીધું છે. આ કારણે તેમને ઇચ્છિત ભાવવધારો કરવા માટેનો છુટો દોર મળી જતાં આ સ્થિતિ સર્જાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *