કચ્છ સાથે ક્રુર મજાક : અંદાજપત્રમાં સરકારે ભુજ- નલિયા બ્રોડગેજ માટે રૂા.એક હજાર ફાળવ્યા !

Contact News Publisher

ભુજ- નલિયા- વાયોર બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટને રેલવે દ્વારા હવે અભેરાઇ પર ચડાવાઇ દેવાયો હોય તેમ હવે લાગી રહ્યું છે. કારણ કે સતત બીજા વર્ષે કચ્છ માટે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે બજેટમાં રકમની ફાળવણી જ કરવામાં આવી નથી ! જે અન્યાય અને અવગણનાની હદ કહી શકાય છે. જોકે રેલવે મંત્રાલય દ્વારા આવતા વર્ષ સુધીમાં ભુજ સુધી ટ્રેકનું વિદ્યુતિકરણ કરી દેવામાં આવશે તેવો દાવો કર્યો છે. આ સિવાય સામખિયાળીથી લઇને ભુજ સુધીના રેલવે ટ્રેકના નવીનીકરણના કામો માટે બજેટમાં રકમની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટની લાગત અધધ 321 કરોડ જેટલી છે. તેની સામે માર્ચ 2019 સુધી રેલવે દ્વારા રૂા.72.17 કરોડનો ખર્ચ કરાયો છે. ત્યારબાદ વર્ષ 2020-21ના બજેટમાં માત્ર એક હજાર રૂપિયા જ ફાળવવામાં આવ્યા હતા.

આ અંગે મળતી વિગતો મુજબ ભૂકંપ બાદ ભુજ સુધી બ્રોડગેજ આવ્યા બાદ છેક વર્ષ 2008માં યુપીએ સરકારે નલિયા સુધી બ્રોડગેજ પ્રોજેક્ટની મંજૂરી આપી હતી. પરંતુ ત્યારબાદ પ્રોજેક્ટ ટલ્લે ચડ્યો હતો. વચ્ચે પીપીપીના ધોરણે કામ કરાવનું મુકતા પ્રોજેક્ટ વધુ અટવાયો હતો. રેલવે હજુ પણ આ પ્રોજેક્ટમાં પ્રાઇવેટ પાર્ટી શોધી રહી છે. જેના પગલે હાલ પ્રોજેક્ટ માટે રકમ ફાળવવામાં આવી રહી નથી. રેલવેએ ભુજથી દેશલપર સુધી કામ પૂર્ણ કરી દીધું છે. પરંતુ ત્યારબાદ કામ અંદાજે ત્રણ વર્ષથી બંધ છે. શરૂઆતમાં ભુજથી નલિયા 101 કિમીનું કામ હતું, ત્યારબાદ નલિયાથી-વાયોર 24 કિમીનો વધારો કરાયો હતો.

1 thought on “કચ્છ સાથે ક્રુર મજાક : અંદાજપત્રમાં સરકારે ભુજ- નલિયા બ્રોડગેજ માટે રૂા.એક હજાર ફાળવ્યા !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *