માણસનું માનસ પણ વિકૃતિ તરફ / રંગરેલીયા અને વ્યભિચારનાં સમાચારો જાણવા જે ઉત્સુકતા આપણે દેખાડી એ જ બતાવે છે કીડો આપણી અંદર પણ સળવળે છે.

Contact News Publisher

રાજેશ ખન્નાની એક ફિલ્મનું એક ગીત છે :

યાર હમારી બાત સુનો ,

ઐસા એક ઈન્સાન ચુનો.

જીસને પાપ ન કિયા હો,

જો પાપી ન હો…..

ગાંધીજી પાસે એક મહિલા પોતાનાં બાળકને લઈ આવે છે મારો દીકરો ગોળ બહુ ખાય છે,

બાપુએ કહ્યું કાલે દીકરાને લઈને ફરી મળવા આવજો,

બીજા દિવસે મહિલા પોતાનાં દીકરાને લઈને આવી, 

બાપુએ એટલું જ કહ્યું : બેટા બહુ ગોળ ન ખાજે !

મહિલા આશ્ચર્ય સાથે બોલી : બાપુ આ વાત આપ ગઈકાલે પણ કહી શકતા હતા !

બાપુએ એટલું જ કહ્યું મેં ગોળ આજથી મુક્યો છે – ગઈકાલે તો હું પોતે પણ ગોળ ખાતો હતો.

સમજાય એને વંદન.

મિત્રો મૂળ વિષય ઉપર આવું એ પહેલાં થોડાં જૂનાં પણ આજેય ચૂભે એવા સમાચાર ઉપર નજર કરીએ –

ઈંધણ ભાવ મુદ્દે સરકારનાં હાથ ઊંચા કે હાથ હેઠા ?

પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પૂરી રાજ્યસભામાં કહ્યું કે અમે સરકાર ઈંધણનાં ભાવ ઘટાડવા પૂરા પ્રયત્નો કર્યા , પણ ઈંધણ ભાવ વધારા માટે આંતરરાષ્ટ્રીય બજાર અને રાજ્ય સરકાર દ્વારા લેવાતા વેટ જવાબદાર છે !

વાહ , આઉં મેડીકે ચા ,

મૂકે કોઈ ચે ત આઉં રુઈ પા..

કોંગ્રેસ વખતે ભાવ વધારાને લઈને વિરોધ પક્ષ તરીકે જે રીતે ભાજપ ઉપાડો લેતું , રસ્તા અને લોકોનાં માનસપટ ઉપર ઉતરીને રીતસર સતાપક્ષ કોંગ્રેસ જાણે દેશદ્રોહ કર્યો હોય એવો માહોલ ઊભો થઈ જતો.

આજે એવું નથી થતું, ભાવ વધે છે પણ તોય લોકોને BJP પ્રત્યે ભાવ વધે જ છે!

ભાજપ સતા પક્ષ તરીકે ચાલે કે ન ચાલે એનું વિશ્લેષણ કરવું મારો વિષય નથી, એની માટે  સરકારનાં તમામ પાસાં જોઈને કહી શકાય કે ભાજપ કેન્દ્રમાં ચાલે કે ન ચાલે , આ ઊંડો અને ગહન વિષય છે. વિકલ્પ ક્યાં ? સામે બધે વેછાણ છે.

પણ એટલું ચોક્કસ છાતી ઠોકીને કહી શકું કે કોંગ્રેસ પાર્ટી જેટલી સતા પક્ષમાં સફળ રહી એટલી વિરોધ પક્ષ તરીકે સફળ રહી નથી, અરે વિરોધ કેમ કરવો, કોનો કરવો , કઈરીતે કરવો એની કોઈ ગતાગમ કે આવડત ન હોય એવું દેખાઈ આવે છે.

કારણ એ પણ હોઈ શકે કે છ-એક દાયકા થી સતા ઉપર રહ્યા બાદ કોંગ્રેસને ખબર જ નથી કે વિરોધ પણ કરાય!

ગુજરાતમાં તો હવે કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટી વિરોધ કરવામાં પાવરધી થઈ ગઈ છે.

જન સંવેદના મુલાકાત AAP ને સૂઝી પણ કોંગ્રેસને નહીં.

જવા દો 2022 નજીક આવે છે ,લેખેલા મહિનાઓ બાકી છે ત્યારે ગુજરાતમાં ભાજપને સતા ટકાવી રાખવા ઊંધે માથે થવું પડશે – 2017 માં bjp નો સૂરજ મધ્યાને હતો ત્યારે પણ કોંગ્રેસ 80 જેટલી સીટો કબ્જે કરી લીધી હતી , પછી ભલે અમૂક વેકાઉ માલ ભાજપા માં જોડાઈ ગયો, પણ 2017 નાં ઘણી સીટો મોદી સાહેબ અને શાહ સાહેબનાં નાક નીચેથી કોંગ્રેસ પાર્ટી સરકાવી ગઈ એ ખૂદ ભાજપને પણ સ્વીકારવું જ રહ્યું.

2022 તરફ નજર કરીએ તો પહેલા કરતાં હવે ઘણી દિશામાં ભાજપને ફટકાઓ પડ્યા છે , સાથે કોંગ્રેસનો પંજો પણ કોઈ વૃદ્ધ નાં હાથની માફક અસ્થિર છે.

પણ AAP નું આગમન આ ફેરે કોને ફાયદો કરાવશે એની ચર્ચાઓ શહેરની ઓફિસોમાં અને ગામડાંનાં ઓટલા ઉપર જેવો જેવો માણસ , એવી એવી વાતો એમ મારાં જેવા અધુરીયા જ્ઞાની અને અધૂરા રાજકીય પુરુષો પોતાને ગમતી વાતોની ઉલ્ટી કરી રહ્યા છે.

શું થશે એ તો સમય અને પ્રજા બતાવશે , બાકી આપણે તો વાતો કરીને મજા લેવાની.

હવે આવું મૂળ વાત ઉપર …

કચ્છ બીજેપીનાં યુવા નેતા રંગરેલીયા કરતાં ઝડપાયા!

અહાઆ, ઓહઃહોહો , ઓહઃ , એમકે , ના ના , 

સાચું બોલો છો ? શું વાત કરો છો ? હેં એ કોણ ? 

હવે તો એ નેતાનું પૂરું , આવું કરાતું હશે કોઇદી….

વગેરે વગેરે ઉદ્દઘારો હાલ ભુજ અને કચ્છમાં સંભળાઈ રહ્યા છે.

મહિલાઓ અમસ્તી બદનામ છે – પુરુષોને જેટલી નિંદા અને કુથલીમાં મજા આવે છે , એવી મજા તો મહિલાઓને પણ નહિ આવતી હોય.

 રસમલાઈની વાત સાંભળી અને જેમ મોમાં રસ આવે એવો જ રસ ઉપરોક્ત વાત સાંભળીને ઘણાં લોકોને આવી રહ્યો છે.

હું સ્પષ્ટપણે માનું છું કે લગ્નેતર સંબંધ એ આગની જેમ છે, સદગુરુને આ વિષયે પ્રશ્ન પૂછાયો ત્યારે એમણે કહ્યું કે આપણે આગમાં હાથ પણ નાંખવો છે અને દાઝવું પણ નથી!

ભાઈ આ બે વાત શક્ય નથી, આગ તો તરત દઝાડશે,

પણ અનૈતિક સંબંધો આજ નહીં તો કાલ દઝાડશે જ.

એમાં ચાતરી ત્યાં જવાય છે કે પહેલાં મજા જ દેખાય છે, પણ પછી સિક્કો પલટાયા વિના નથી રહેતો, અને જેવી બીજી બાજુ આવે કે સજા આવી જાય છે.

એટલે હું એક વાત માનું છું કે આવા સંબંધોનો અંત આવે છે અને ખરાબ આવે છે .

પણ જે રીતે આવા વિષયોને લઈને લોકોનાં ચહેરા ઉપર જે ચમક આવી જાય છે એ પણ રુગણતાની નિશાની છે.

માણસનું માનસ પણ વિકૃતિ તરફ જતું દેખાઈ રહ્યું છે, રંગરેલીયા અને વ્યભિચારનાં સમાચારો જાણવા જે ઉત્સુકતા આપણે દેખાડી એ જ બતાવે છે કીડો આપણી અંદર પણ સળવળે છે.

હું સ્પષ્ટપણે માનું છું કે જેમ વ્યભિચારને લોકો નાપસંદ કરે છે પણ વ્યભિચાર નાપસંદ કરનાર વ્યક્તિનાં મનમાં વ્યભિચાર રોજ ઉછાળા માર્યા કરતો હશે, કોઈકને મોકો નથી મળતો , તો કોઈક ડરે છે.

બહુ જ ઓછા લોકો હશે કે સમજ થી આ દિશામાં જવાનું વિચારતાં પણ નહીં હોય. કરવું બધાને છે પણ Safely !

કરવું બધાને છે પણ …. ગુરુ ની પીઠમાં ખંજર !

વ્યભિચાર કરનાર દલીલો દેશે કે બે તાળી એક હાથે ન વાગે, પણ તાળી ક્યાં વગાડો છો એનીયે ખબર છે ?

આંગળી ઝાલીને ટોચે પહોંચાડનાર રાજકીય ગુરુના ઘરમાં મોઢું માર્યું !

આજે વ્યભિચાર સાથે ભ્રષ્ટાચારની પણ વાત કરવી છે,

વ્યભિચારમાં લગભગ દરેક સંપ્રદાયનાં ઘણાં ધર્મગુરુઓનાં નામ આવી ગયા છે ,

ધર્મગુરુઓ વ્યભિચાર કરે છે , પણ નેતાઓ તો એક કદમ આગળ.

નેતાઓ વ્યભિચાર સાથે ભ્રષ્ટાચાર પણ કરે છે. વ્યભિચાર , અનૈતિક સંબંધો , લગ્નેતર સંબંધો ; અગાઉ કહ્યું એમ આગ છે, અને આગ બે વ્યક્તિ , બે પરિવાર , કે બે સમાજને દઝાડશે જ.

પણ ભ્રષ્ટાચાર….

ભ્રષ્ટાચાર તો સમાજને , દેશને અને દેશનાં અર્થતંત્રને દઝાડી નાંખે છે !

અફસોસ એ છે કે જેવી રીતે મીડિયા , કોમનમેન , અને રાજકીય લોકો જેટલો વ્યભિચારનો મુદ્દો ઉપાડે છે એમ જ ભ્રષ્ટાચારને પણ વગોવે – ચમકાવે એ જરૂરી છે,  

ભ્રષ્ટાચાર ચમકે છે , પણ જે ઉત્સુકતા રંગરેલીયામાં લોકોને છે, એવી જ ઉત્સુકતા કૌભાંડ બહાર લાવવા કે બહાર આવેલા કૌભાંડ ને વાયરલ કરવામાં આપણે સૌ દેખાડતાં નથી, એવું મારુ માનવું છે.

નો બોલ : શિલ્પા શેટ્ટીએ કોર્ટમાં 29 જેટલા મીડિયા હાઉસ ઉપર માનહાનીનો દાવો મુંબઈ હાઇકોર્ટમાં કર્યો ,

વાહ આને કહેવાય – ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે , મુંબઈ વડી અદાલતે શિલ્પાબેનને આડે લઇને કહ્યું કે પોલીસ સુત્રોનાં આધારે કરવામાં આવેલું રિપોર્ટિંગ અપમાનજનક ન ગણાય…

છેલ્લે દડે છક્કો : હેં , ઇ તો બરાબર , પણ તમારો આખો લેખ વાંચ્યો , પણ ઇ રંગરેલીયા કરતો ભાજપનો યુવા નેતા કોણ ? ઇ તો કીધું નહીં તમે , શું આવડો સમય ખોટો કર્યો … હા…હા…..હા . .

હવે સમજ્યા ભાજપનાં યુવા નેતાનું નામ કેમ ન લખ્યું , કારણ ભીનું સંકેલાઈ ગયું, પોલીસ રિપોર્ટિંગ ન આવે ત્યાં સુધી અમે મીડિયા વારા બાપલા શું નામ જાહેર કરીએ,

અને આપને ખબર નહિ આવી મરી મસાલા વારી સ્ટોરી બનાવવામાં મીડિયાને કેટલી મહેનત પડતી હશે, અરે સ્ટોરી નાં હીરો (આમ વિલન)નું નામ લીધા વગર , એનાં તમામ પાસાં અને એની ઓળખ વાચક સુધી પહોંચાડવી કેટલી અઘરી છે.

એટલે લેખ વાંચી આનંદ કરો , અને નિંદા – કુથલીને મિક્સ કરી માવો (કાઠિયાવાડમાં ફાકી) બનાવીને ખાઈ જાઓ.

 

લેખન : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

maa news live : youtube / fb / insta / twitter / daily hunt / telegram 

9725206123 – 37 (15 cug number)

9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *