માલ ખાય વાંદરી ને માર ખાય મદારી !

Contact News Publisher

ફેકમ ફેક : 29 નવેમ્બર 2021

એ… નવા વર્ષનાં રામ રામ…
એ…. રામ સત
ભીખો ચાની લારીએ આવીને બેઠેલ ચાર નવરાઓ (આમેય ચા વેચનાર માલામાલ અને ચા પીનારા નવરા જ થઈ ગયા છે !)ને નવા વર્ષની શુભેચ્છા પાઠવી ,
સામે ચાર જણાએ પણ ઔપચારિકતા પૂરી કરવા વળતી શુભેચ્છાઓ પાઠવી…
ધમ્મો આજે મરક મરક હસતો હતો , એક હાથમાં ચાનો કપ ,બીજા હાથમાં મોબાઈલ ; નવો આવેલ મેસેજ એને જાણે રોમાંચિત કરી ગયો હોય એમ વાંચતા હસવા પણ લાગ્યો .
સ્વાભાવિક છે બાજુમાં બેઠેલ બુધ્ધિયો પૂછવાનો જ છે કે શું થયું ?
કંઈ નહીં આ તો કેળાં અને ડ્રેગન ફ્રૂટની યાદ આવી ગઈ ,
એય ડ્રેગન ફ્રુટ નહીં હો … ભીખા એ ચાની રકાબી ઉપાડતાં બોલ્યો : કમલમ કેવાનું શું ?
હા , ભઈ કમલમ… ધમ્મો વિવાદ થાય એ પહેલાં જ પત્તા હેઠા મૂક્યાં..
જેટલા નામ છેલ્લા 60 વર્ષમાં નહિ બદલ્યા હોય એટલા છેલ્લા 6 વર્ષમાં બદલી ગયા કાં ? હિતલાએ વાતમાં જાણે સૂર પૂરાવ્યો.
આ રાજકારણ પણ જબરું હો , માલ ખાય વાંદરો અને માર ખાય મદારી….
એય… ડફોળ કહેવત તો સાચી બોલ : માલ ખાય મદારી ને માર ખાય વાંદરો એમ છે ; જીતિયાએ ધમ્માની વાત કાપતાં પોતાની વાત આગળ વધારી :
કચ્છની એક માત્ર આશા સાંસદ વિનોદ ભાઇ ચાવડા !
અરે યાર આને કે રાજકારણની વાતું વચ્ચે ન લઈ આવે – જીતિયાની વાતને કાપતાં ભીખો બાકીનાં બે જણા સામે જોઇને બોલ્યો : યાર ખબર છે ને 3 ટોપિકની વાતું પછી ખતમ જ નથી થતી , ભૂકંપ , ક્રિકેટ અને રાજકારણ .. જો આમાંથી કોઈ એક ને છંછેડયું તો વાત પૂરી….
પણ જીતીયો આજે મૂડમાં હતો , ભીખાની વાતને જાણે સાંભળી ન હોય એમ ઝીંકવાનું ચાલુ રાખ્યું :
” આ વખતની દિવાળી કચ્છમાં ખરા અર્થમાં શુભ દિવાળી સાબિત થઇ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા કચ્છ આવ્યા , એટલે કચ્છનાં કિસાનો સાથે પ્રજામાં પણ આશા જાગી કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કચ્છ આવી નવા વર્ષની શુભેચ્છાઓ સાથે કચ્છનાં પ્રાણ પ્રશ્ન એવા નર્મદાનાં વધારાના પાણી માટે સૈધ્ધાંતિક મંજુરી મળી છે એ કામની વહીવટી મંજુરીની જાહેરાત કરી કચ્છની જનતાને નવા વર્ષની ભેટ આપશે, પરંતુ અફસોસ કચ્છીજનોની આ આશા ઠગારી નીવડી.”
જીતીયો એકી શ્વાસે બોલી ગયો , જાણે ગોખીને આવ્યો હોય …
પણ એય મૂરખા તેં શરૂઆત કરી વિનોદ ચાવડા થી અને વાત માંડી ભૂપેન્દ્રભાઈ ની ! બુદ્ધિયાએ ટોકતાં કહ્યું ,
પણ આજે સાંભળે તો જીતીયો શેનો !
એણે ફેંકવાનું ચાલું રાખ્યું :
” હા શુભેચ્છાઓની આપ લે કરતા કચ્છનાં માજી મંત્રી વાસણભાઇ આહિર જ્યાં સુધી મંત્રીમંડળમાં હતા ત્યાં સુધી નર્મદાનાં નીર ન્હોતા માંગી શક્યા ! એ હવે મંત્રીમંડળમાંથી બહાર આવી જતાં જાણે હિંમત આવી હોય એમ સ્ટેજ ઉપરથી જ નર્મદાની વહીવટી મંજૂરીની વાત મુખ્યમંત્રી સમક્ષ કરી લીધી !
પરંતુ સંગઠન પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલને આ માંગણી એ સમયે જાણે યોગ્ય ન જણાતાં કેશુબાપાએ કહ્યું : અત્યારે માત્ર શુભેચ્છાઓની આપ લે કરીએ કામની વાતો તો પછી પણ થયા કરશે – કહી વહીવટી મંજુરીની વાતને કેળાંનાં બોક્ષમાં નાખી દીધી !
ઓય કેળાંનાં બોક્ષમાં નહીં – કમલમનાં બોક્ષમાં ; ધમ્મો જીતિયાની વાતને કાપતાં બોલ્યો ..
સાંભળે એ જીતીયો નહીં , એણે તો વામવાનું ચાલુ રાખ્યું :
” પરંતુ સરળ સ્વભાવનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કમલમ (ડ્રેગન) ફ્રૂટનું ૠણ ઉતારવા ધરપત આપી કે ‘સૌ સાથે આવજો વહીવટી મંજુરી પણ મળી જશે’
વચ્ચે જ હિતીયો બોલ્યો : પણ હવે યક્ષ સવાલ એ છે કે “સૌ” સાથે મુખ્યમંત્રી ને મળવા કયારે જશે?
યાર તું ચૂપ મરને , જીતીયો છટક્યો !
થોડીવાર કોઈ ન બોલ્યું , હું ચારે જણની વાત છેટે બેસી ચાની ચૂસકી મારતાં સાંભળી રહ્યો હતો, મનેય થયું કે હું પણ જોડાઈ જાઉં ચર્ચામાં , પણ મારા શબ્દો મનમાં જ રહ્યા , હું મનમાં જ બબડી રહ્યો :
” ભાજપનું કચ્છ સંગઠન તો કમલમનાં બદલે કેળાંથી મુખ્યમંત્રીનું વજન માપવામાં થાપ ખાઇ ગયું છે એટલે મુખ્યમંત્રી સામે માંગવા તો ઠીક ઉભા રહેવાની પરિસ્થિતિ માં પણ નથી, અને કચ્છનાં ધારાસભ્યોને મંત્રી મંડળ માંથી બાકાત રાખી એમનુ વજન કેટલું છે એ ગાંધીનગર અને દિલ્હીએ એમને બતાવી આપ્યું છે! અને અધૂરામાં પૂરું વિધાનસભાની ચુંટણીનું ગણિત અત્યાર થી જ શરૂ થઈ જતાં વર્તમાન ધારાસભ્યો કે ધારાસભ્ય બનવાનાં અભરખા સેવતાં ટીકીટ વાંચ્છુકો વહીવટી મંજુરીની માગણી માટે સરકાર સામે પગ ભરાવી શકશે? ” હું આ બધું મનમાં જ બબડી રહ્યો , કારણ મારા જેવા ઘણાં CM (કોમનમેન) બિચારા પોતાની વાતો મનમાં જ બોલી શકે છે , બાકી મન કી બાત કોઈને કહી શકતાં નથી ! કારણ સો માંથી નવ્વાણું બીકણ છીએ આપણે !
જીતીયો એક કપ ઉલાડીને બેઠો હતો , પણ આજે રાજકારણ જાણે મગજમાં ઘૂસી ગયું હોય એમ ફરી ફેંકવાનું કર્યું શરૂ : ” આ પરિસ્થિતિમાં કચ્છની પ્રજાનું આશાનું કિરણ એક માત્ર કચ્છી સાંસદ વિનોદ ભાઇ ચાવડા જ છે.!
હા , ભાઈ કેટલી વાર બોલીશ , આગળ પણ વધ હવે ; ભીખાએ ટોકતાં કહ્યું.
કચ્છમાં નર્મદાનાં નીર પહોંચાડવા હવે અઘરાં છે , પણ જો વિનોદભાઇ ચાવડા જે કચ્છનાં સાંસદ છે અને ગુજરાત ભાજપ સંગઠનમાં મહામંત્રી છે , એ જો કચ્છનાં ધારાસભ્યને લઈને ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપ સંગઠન બંને સાથે સમન્વય સાધી પછી જો મુખ્યમંત્રી સમક્ષ વહીવટી મંજુરીની માગણી કરે તો પરિણામ આવી શકે.
ચાનો કપ હેઠો મૂકતાં બુધ્ધિયો પણ જાણે પોતાનાં રાજકારણનાં જ્ઞાન ને પ્રદર્શિત કરતો હોય એમ બોલ્યો : ” વિનોદભાઇ ચાવડા ગુજરાત ભાજપનાં મહામંત્રી હોઇ પ્રમુખ સી.આર.પાટીલ જોડે પણ સારી આત્મીયતા ધરાવે છે , અને સી.આર.પાટીલ પણ કચ્છનાં પ્રથમ પ્રવાસ સમયે ભુજ મધ્યે નર્મદાનાં પાણી માટે આશ્વાસન આપી ગયા છે, એટલું જ નહીં વિનોદભાઇ ચાવડા દિલ્હીમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુડબુકમાં હોવાનાં લીધે વહીવટી મંજુરી માટે વડાપ્રધાનની પણ મદદ માંગી શકશે .
આમ આ બધા પરિબળોનું આકલન કરતાં સ્પષ્ટ રીતે કહી શકાય કે નર્મદાનાં વધારાના પાણી માટે કચ્છની એક માત્ર આશા સાંસદ વિનોદ ભાઇ ચાવડા જ છે.”
બુધ્ધિયો એકી શ્વાસે બધું બોલી ગયો , બાકીનાં ત્રણેય જણ પણ બુદ્ધિયાની આવી હોશિયારી વાળી વાત સાંભળી રાજી પણ થયા અને ચોંક્યા પણ ખરા !
ધમ્મો પણ જૂનાં ઉખેડા કાઢતાં બોલ્યો :
” જેમ સૈધ્ધાંતિક મંજુરી ભાજપનાં જ એક નેતાનાં ડખ્ખાનાં કારણે મળી છે , તો શું ફરી કોઈ નેતાએ ડખ્ખો કરવો પડશે કચ્છમાં નર્મદાનાં વધારાનાં નીર માટેની વહીવટી મંજુરી માટે ?
ચૂપ રે ધમ્મા , હિતીયાએ વાત કાપતાં કહ્યું : હાલ ચૂંટણી માથે છે ને તું ડખ્ખા કરાવીશ શું ?
ભીખાએ પોતાનાં મોબાઈલમાં આવેલ મસેજ ને જોરથી વાંચ્યો :
“અભિનંદન સહ આભાર –
મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજ્યનાં નગરો, ગામો અને શહેરોમાં નાગરિકોને પીવાનું શુદ્ધ અને પુરતું પાણી મળી રહે તેવા આયોજન સાથે પાંચ નગર પાલિકામાં રૂ.૨૯.૮૦ કરોડનાં પાણી પુરવઠાનાં કામોને સૈધ્ધાંતિક મંજુરી આપી છે.”
વાહ સરસ હો , ભલે કમલમ ની બદલે કેળા , પણ CM મોટું મન રાખ્યું હો , વચ્ચે જ હિતીયો બોલ્યો .
ભીખાએ મેસેજ વાંચવાનું ચાલુ રાખ્યું :
” આ પાંચ શહેરમાં માંડવીનો પણ સમાવેશ થાય છે અને માંડવી શહેર માટે રૂ.૩.૭૪ કરોડ ફાળવવામાં આવ્યા છે એ બદલ ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઇ પટેલ અને માંડવીનાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરું છું.”
હેં કોણે માન્યો છે આભાર ?
બુધ્ધિયો ઉત્સુકતા પૂર્વક પૂછ્યું ;
યાર બાકીનો મેસેજ કપાયેલો છે , નામ નથી આવતું !
પણ એક વાત ચોક્કસ છે આ મંજૂરી માંડવીને મળી એમાં સાચી મહેનત નગરપાલિકાની ગત બોડીની અને ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની છે,
માંડવી શહેર માટે પાણીનાં સુચારુ આયોજન સાથે સરકાર સમક્ષ દરખાસ્ત મોકલવા બદલ તત્કાલ પદાધિકારી, પ્રમુખ મેહુલ ભાઈ શાહ, ઉપપ્રમુખ ગીતાબેન ગોર અને કારોબારી ચેરમેન દિનેશ ભાઇ હિરાણી તેમજ પાણી પુરવઠા ચેરમેન નરેનભાઈ સોની તેમજ ગત બોડીનાં તમામ સદસ્યો અને પાણી પુરવઠા વિભાગનાં કર્મઠ કર્મચારીઓને અભિનંદન સહ આભાર.”
ભીખાએ મોબાઈલ બાજુમાં રાખી વાત પૂરી કરી.
જીતીયો જાણે રહી જતો હોય એમ બોલ્યો :

રાજકારણમાં જશ ખાટવા વારા ઘણાં જોયા હો , કામ કરે કોઈક અને જાહેરાત કરે કોઈ , માંડવીમાં પણ હાલ આવું જ કઈ ચાલી રહ્યું હોય એ જોઈને

આ તો ઓલી કહેવત યાદ આવી ” માર ખાય મદારી ને માલ ખાય વાંદરી….!
જીતિયાની બકવાસ કહેવત સાંભળીને ત્રણેય જણા ઊભા થઈ ગયા , હું પણ સફાળો જાગ્યો , ચર્ચા એવી હતી કે ઘરનું કામ જ ભુલાઈ ગયું , હાલો ઘરે પાણીની બોટલ લઈ જવાની છે , નર્મદા આવે ત્યારની હાલ તો 20 લિટરની બોટલ જ ઝીંદાબાદ – મનમાં બબડતો બબડતો બાઈકને કિક મારીને ફરી ખોવાઈ ગયો હું ભીડમાં….

Story by : જામ જયમલસિંહ એ.બી. જાડેજા
Maa Ashapura News
YouTube : maa news live
Android app : maa news live
Facebook : maa news live page / group
Instagram : maa news live
Call: 9725206123 / 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *