108 નીકળી ગઈ , હું પણ ઓફીસ જવા નીકળ્યો , જતાં જતાં વિચારતો હતો કે , હાશ હજુ માનવતા જીવિત છે….

Contact News Publisher

આમ જોવા જઈએ તો વાત સાવ નાની અને સામાન્ય છે ,
અને આમ જોવા જઈએ તો બહુજ મોટી વાત છે.
ઘટના બની આજે (9 ફેબ્રુઆરી 2022) સાંજે લગભગ 7 વાગ્યે , હું અને મારા મિત્ર રિપોર્ટર દર્શન મહેતા ભુજ જ્યુબિલી સર્કલ પાસે , HDFC બેન્કની બાજુમાં , aiya એપાર્ટમેન્ટ નજીક , ઓધવરામ ઝેરોક્ષ સામે વાતો કરતા હતાં, અને અચાનક જ પાછળ થી આવાજ આવ્યો, નજર કરી તો એક આધેડ વયના ભાઈ જમીન ઉપર સુતા હતા અને આસપાસની દુકાનો અને મેડિકલ વાળા તેમજ અહીંથી પસાર થતાં લોકો આ ભાઈની ફરતે ઊભા રહીને જોતાં હતા, હું પાસે ગયો , અમુક જણ એ બેહોશ ભાઈની હાથની હથેળી ઘસી રહ્યા હતા, તો એકાદ જણ બાજુમાં આવેલ પરિવાર જનરલ સ્ટોર્સ માંથી ડુંગળી લઈને સુંઘાડી એ ભાઈની બેહોશી તોડવાની કોશિશ કરી રહયા હતાં.
હું પણ જોડાયો ભાઈને હોશમાં લાવવા, પ્રથમ છાતી ઉપર હાથ ઘસીને એને હોશમાં લાવવાનો પ્રયત્ન મારો સફળ જણાયો નહીં.
હાજર અમુક જાણકારનું કહેવું હતું કે આને ફિટ કહેવાય , અને એનાં અલગ અલગ પ્રકાર હોય, ઘણાને ફિટ આવતા માત્ર હાથ ઘસવાથી પણ હોશમાં લઈ આવવામાં સફળતા મળતી હોય છે , પણ આ કેસ થોડો અલગ અને ગંભીર જણાયો !
મેં છાતીમાં ઘસવાનું ચાલુ રાખ્યું, ઓધવરામ ઝેરોક્ષ વારા ભાનુશાલી ભાઈ જોરથી હાથ ઘસવાનું ચાલુ રાખ્યું , ભૂમિ મેડિકલ વાળા કૌશિકભાઈ પણ હાજર રહીને ભાઈને હોશમાં લાવવાની મહેનત ચાલુ રાખી, કુલદીપસિંહ વાઘેલા , તુલસી RTO એજન્ટ જીગર ઠકકર , પરિવાર જનરલ સ્ટોરમાં કામ કરતાં મારાજ દુકાનમાંથી ડુંગળી લઈ આવીને બેહોશ ભાઈના નાકમાં સુંઘાડી , એક જણે જૂની પદ્ધતિ અપનાવી , બુટ કાઢીને ભાઈનાં નાક પાસે રાખ્યું, પણ પરિણામ નહીંવત!
એક સમયે હાજર માંથી ઘણાએ ગણગણાટ કર્યો કે કેસ સિરિયસ છે , ઘણાએ એ તો કહ્યું કેસ ખલાસ …
પણ મારી સાથે બીજા પણ હતા જેમણે છાતી અને હાથ ઘસવાનું ચાલુ રાખેલ , આ બેહોશ પડેલ ભાઈની શરૂઆતમાં તો જીભ પણ બહાર આવી ગયેલ , ત્યારે તો ઘણાં નાં હોશ ઉડી ગયેલ કે આ ભાઈ હોશમાં આવશે કે કેમ?
એક વાત મને ચોક્કસ દેખાઈ કે આજેય માનવતા હજુ જીવિત છે. મેં કૌશિકભાઈને કહ્યું 108 એમ્બ્યુલન્સને કોલ કરો , એમણે તરત જ કોલ કર્યો , વાયા અમદાવાદ કોલ ભુજ આવ્યો , અને તરત જ ભુજથી 108 વાળાનો કોલ આવી ગયો કે એમને પાણી કે ખાવાનું દેતાં નહીં, શક્ય હોય તો બેસાડી રાખજો અથવા સુવડાવી રાખજો, અમે એમજ કર્યું, મેં પ્રારંભમાં છાતી ઘસતાં પહેલાં એમનો બેલ્ટ અને પેન્ટ નાં બટન ખોલી નાખેલ , અમે NCC માં હતા ત્યારે આવી ટ્રેનિંગ શીખેલ , પણ એ અહીં કામ આવે કે કેમ એનો વિચાર કર્યા વગર એ ભાઈ બરાબર શ્વાસ લઈ શકે એ માટે મેં એવું કર્યું.
કોઈકે કહ્યું ભાઈનાં ખિસ્સામાં મોબાઈલ છે , મોબાઈલ કાઢીને જે લાસ્ટમાં નમ્બર હોય અથવા HoMe લખેલ હોય એવા નમ્બરને કોલ કરવાનાં ઉદેશ્ય સાથે એમનાં ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો , પણ અહીં વરી બીજી સમસ્યા આવી , મોબાઈલમાં પાસવર્ડ હતા, શું હશે પાસવર્ડ? ખબર ન પડતાં મોબાઈલ બેહોશ ભાઈના ખિસ્સામાં રાખીને 108 ની રાહ જોઈ રહ્યા , દૂર થી 108 નું સાયરન સંભળાયું , બીજું ભલે ગમે તે હોય ,પણ આ 108 માટે સરકારને ચોક્કસ અભિનંદન દેવા પડે.
108 આપેલ લોકેશન ઉપર તરત જ પહોંચી, પાયલોટ ગાડી બાજુમાં જ ઊભી કરી દીધી , અંદરથી મેડિકલ સ્ટાફ આવીને નાડી ચકાસી , શ્વાસ ચાલતા હતા , તરત જ સ્ટ્રેચર કઢાવીને ભાઈને સુવડાવીને 108 માં અંદર લેતાં જ હતા , ત્યાં જ બાજુમાં ઉભેલ કુલદીપસિંહ વાઘેલાને કઈક વિચાર આવ્યો , અડધી સ્ટ્રેચર અંદર અને અડધી બહાર , કુલદીપસિંહ મોબાઈલ કાઢ્યો , બીજી તરફ મેડિકલ સ્ટાફ સારવાર શરૂ કરી દીધી , કુલદીપસિંહે બહોશ ભાઈનો હાથ પકડીને મોબાઈલમાં ટચ કરવા લાગ્યા , સફળતા ન મળી , પણ અચાનક જ બરાબર આંગળીનો સ્પર્શ થતાં જ મોબાઈલ open થયો ! ફોનમાં લાસ્ટ નમ્બર હતો એનાં ઉપર વાત થઈ, બાજુમાં ઉભેલ દરેકનાં મોઢા ઉપર થોડા સમય પહેલાં ચિંતા હતી , જાણે દરેક જણનું પોતાનું સ્વજન હોય , એક તરફ 108 નું પહોંચવું , બીજી તરફ મેડિકલ સારવાર શરૂ થવી અને ત્રીજી તરફ મોબાઈલ open થવો , બસ પછી તો બધાનાં ચહેરા ઉપર હાસ્ય હતું , સિવાય ત્રણનાં , એક પાયલોટ , બીજા મેડિકલ સ્ટાફનાં ડોકટર અને ત્રીજા બેહોશ ભાઈ … બેહોશને તો કઈ ખબર નહોતી , પાયલોટને ગાડી જલ્દી પહોંચાડવી હતી, અને ડોક્ટરને બેહોશને હોશમાં લઈ આવવો હતો.
મેં શરૂઆતમાં જ કહ્યું કે વાત મોટી નથી , આવડું બધું આમાં લખવાનું હોય પણ શું ..
સાચી વાત છે , ફિટ આવે અને કોઈ બેહોશ થાય એમાં વળી શું કાં ?
પણ મારી દૃષ્ટિએ આ મોટી ઘટના છે , ઘટના વિશે કૌશિકભાઈને પૂછ્યું ત્યારે ખબર પડી કે એ ભાઈ ભૂમિ મેડિકલ પાસેથી ફોન ઉપર વાત કરતાં જતા હતા અને અચાનક જમીન ઉપર પડ્યા , પણ અહીં બીજું જ થવાનું હતું , બાજુમાં જ એક બહેન ઊભા હતા એમનાં ઉપર એ ભાઈ પડ્યા , જો એ બહેન પાસે ન હોત તો ઓલ્યા ભાઈ સીધા ધડામ કરીને જમીન ઉપર પડત , અને જે રીતે પડ્યા એ જોતાં માથાનાં પાછળનાં ભાગમાં મોટી ઈજા થઈ શકત , કદાચ એ પછડાટ જીવલેણ પણ સાબિત થઈ શકત !
પણ કહેવાય છે ને રામ રાખે એને કોણ ચાખે ?
ઘટના એક નાનકડી છે , ફિટ તો ઘણાને આવતી હશે , પણ આ ઘટના સાથે બીજી બનેલી ઘટના મારા મતે મોટી છે, 108 નીકળી ગઈ , હું પણ ઓફીસ જવા નીકળ્યો , જતાં જતાં વિચારતો હતો કે , હાશ હજુ માનવતા જીવિત છે….

વણમાંગી સલાહ : સ્માર્ટ ફોન વાપરતાં હોઈએ તો આપણે પણ સ્માર્ટ થવું પડશે : મોબાઈલમાં Settings માં જઈને એમાં Emergency Information  આવે છે, જેમાં આપણે આપણી આપત્કાલીન વિગતો મૂકી શકીએ છીએ, જેમકે ઈમરજન્સી મોબાઈલ નમ્બર, બ્લડ ગ્રુપ, એલર્જી, આપણાં ડોક્ટર્સ, મેડિકલ ની વિગતો, સરનામું વગેરે….. (એટલે સ્માર્ટ ફોન માત્ર વિડીયો ગેમ રમવા માટે નથી, એનાં ઘણાં સ્માર્ટ કામ પણ છે )

અહેવાલ : જામ જયમલસિંહ એ.બી. જાડેજા.
માઁ આશાપુરા ન્યુઝ .
All Social Media : maa news live
9428748643 / 9725206123

1 thought on “108 નીકળી ગઈ , હું પણ ઓફીસ જવા નીકળ્યો , જતાં જતાં વિચારતો હતો કે , હાશ હજુ માનવતા જીવિત છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News