રશિયા અને યુક્રેનના યુદ્ધમાં ફસાયેલી કચ્છની યુવતીએ વર્ણવી વ્યથા, 2 દિવસથી રહે છે અંડરગ્રાઉન્ડ

Contact News Publisher

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયાને ત્રણ દિવસ થયા છે અને આ ત્રણ દિવસમાં અનેક સૈનિકો અને લોકોના જીવ ઘવાયા છે. તો અનેક લોકો આ યુધ્ધમાં પોતાને અને પોતાના સ્વજનોને બચાવવા મથી રહ્યા છે. અનેક ભારતીય વિદ્યાર્થીઓ પણ યુક્રેન અને તેની આસપાસના દેશોમાં ફસાયા છે. કચ્છના ગાંધીધામની એક યુવતી પણ યુક્રેનના ખારકીવ શહેરમાં ફસાયેલી છે જેણે એક વીડિયો મોકલી પોતાની વ્યથા વર્ણવી હતી અને મદદની પુકાર કરી હતી.

ગાંધીધામની રિદ્ધિ મિશ્રા યુક્રેનના ખારકિવ શહેરમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે. રશિયાએ યુક્રેન પર યુદ્ધ બોલાવતા હવે યુક્રેનમાં હોસ્ટેલ અને અન્ય વસાહતોમાં પોતાની મેળે રહેતા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. યુદ્ધ શરૂ થતાં જ રિદ્ધિ અને તેના મિત્રો તેમની યુનિવર્સિટીના બેઝમેન્ટમાં છુપાઈ ગયા છે.

રશીયાનો યુદ્ધ ઉન્માદ કેટલા નિર્દોષનો જીવ લેશે ? નલિયાની દીકરી યુક્રેનમાં અટવાઈ

રિદ્ધિ દ્વારા ત્યાંની પરિસ્થિતિને વર્ણવતો એક વીડિયો મોકલવામાં આવ્યો છે જેમાં તે જણાવે છે કે આસપાસ સતત બોમ્બ ધડાકાના અવાજ સંભળાઈ રહ્યા છે. તો સાથે જ શહેરમાં પણ ભાગદોડ મચી છે. લોકો જરૂરી ચીજવસ્તુઓ સંગ્રહી રાખવા મથી રહ્યા છે. પણ શહેરમાં શાકભાજી, પાણી અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ ખૂટી રહી છે. હાલ દરેક વિદ્યાર્થીઓ મહાવિદ્યાલય નીચે બનાવેલા બેઝમેન્ટમાં છુપાઈને પોતાને બચાવી રહ્યા છે.
રિદ્ધિએ જણાવ્યું હતું કે ભારતીય દૂતાવાસ દ્વારા વિદ્યાર્થીઓને પોલેન્ડ બોર્ડર તરફ પહોંચવા જણાવવામાં આવ્યું છે, જ્યાંથી દરેક ભારતીય વિદ્યાર્થીઓને રેસ્કયુ કરવામાં આવશે. પણ રિદ્ધિ અને તેના મિત્રો જે શહેરમાં રહે છે તે પોલેન્ડથી 15 કલાક દૂર છે અને આ પરિસ્થિતિમાં 15 કલાકનું પ્રવાસ કરવું પણ ખૂબ ખતરનાક છે, તેવું રિદ્ધિએ ઉમેર્યું હતું. રિદ્ધિએ પોતાના વિડિયો દ્વારા ચિંતા વ્યક્ત કરી હતી કે જીવનજરૂરી વસ્તુઓ ન હોતાં તેઓ હજુ કેટલા દિવસ આ રીતે બેઝમેન્ટમાં રહી શકશે તે ખબર નથી અને ભારત સરકારને મદદ પહોંચાડવા માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *