જખૌમાંથી ઝડપાયેલા 280 કરોડના હેરોઇન કેસમાં ઈન્ડિયા-દુબઈ કનેક્શન સામે આવ્યું, ચોંકાવનારો ખુલાસો

Contact News Publisher

કચ્છના જખૌમાંથી 280 કરોડનું હેરોઇન ડ્રગ્સ પકડવા મામલે નવા ખુલાસા થયા છે. ભારતમાં ડ્રગ્સ મંગાવનાર હૈદર રાઝીને લઇને તપાસ કરવામાં આવી રહી છે. જેમાં હૈદરની ઉપર અન્ય ડ્રગ્સ માફિયાની સંડોવણી પણ ખૂલી છે. જે મુખ્ય આરોપી મૂળ ભારતનો અને દુબઇમાં સ્થાયી થયો હોવાનું ખૂલ્યુ છે. દુબઈમાં બેઠેલો આ શખ્સ હૈદર રાઝી સાથે સંપર્કમાં હતો. દુબઈના શખ્સના કહેવાથી હૈદરે ડ્રગ્સ મેળવ્યું હોવાનો ખુલાસો થયો છે.

નવા ખુલાસાને પગલે ગુજરાત એટીએસ અને NCBએ દુબઇના શખ્સને શોધવા માટે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. ભારતમાં ડ્રગ્સ મંગાવવા માટે પૈસાની લેવડ દેવડમાં સગા સંબંધીઓ મારફતે હવાલા પડાયા હોવાનું પણ ખૂલ્યું છે. ડ્રગ્સના ડીલિંગમાં પાકિસ્તાન,અફઘાનિસ્તાન,દુબઇ,ભારતના લોકોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે તેમજ ડીલ માટે ડ્રગ્સ પેડલરો સાથે વાતચીત કરવા સોશીયલ મીડિયાનો ઉપયોગ કરાતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

કચ્છના જખૌ પાસેથી રૂ. 280 કરોડનાં ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના સયુંકત ઓપરેશન દરમિયાન પાકિસ્તાની અલ હજ નામની બોટ ઝડપાયી હતી.પાકિસ્તાની બોટમાંથી રૂપિયા 280 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની 9 શખ્સો ઝડપાયા હતા.ATSએ આ તમામ પાકિસ્તાની 9 આરોપીઓને ભુજ કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી.જો કે કોર્ટે આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓની પૂછપરછ બાદ આ ડ્રગ્સ ઉત્તર ભારતમાં સપ્લાય કરવાનું બહાર આવ્યું હતું. જેથી ATSની ટીમે દિલ્લીમાંથી આ મામલે અફઘાનિસ્તાનના નાગરિક અને ભારતના નાગરિકને ઝડપી વધુ 35 કિલો ડ્રગ્સ કબ્જે કર્યું હતું.દિલ્લીમાંથી ઝડપાયેલા આરોપીઓ પૈકી ભારતના અવતારસિંહ અને અફઘાનિસ્તાનના અબ્દુલ ખાલિકને રિમાન્ડની માંગ સાથે ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *