450 કિલોમીટરની પદયાત્રા કરી કચ્છથી દ્વારકા પહોંચી 25 ગાય : અડધી રાત્રે ખૂલ્યાં જગતમંદિરનાં દ્વાર

Contact News Publisher

કચ્છના રહેવાસી અને દ્વારકાધીશના પરમ ભકત મહાદેવ દેસાઈની 25 જેટલી ગાયોને લમ્પી રોગ થતાં તેમણે માનતા માની કે ‘હે કાળિયા ઠાકર… મારી ગાયોને લમ્પી રોગમાંથી બચાવી લેજે, હું એમને પગપાળા લાવીને તારા દ્વારે દર્શન કરવા લઈ આવીશ. માવજીભાઈની માનતા ફળી અને તેમની 25 જેટલી લમ્પીગ્રસ્ત ગાયો બચી ગઈ. એકપણ ગાયનું મૃત્યુ પણ ના થયું અને અન્ય ગાયોમાં આ રોગનો ફેલાવો પણ ન થયો, જેથી તેઓ તેમની માનતા પૂરી કરવા માટે કચ્છથી 450 કિલોમીટર પદયાત્રા કરીને દ્વારકા મંદિરે ગૌમાતાને દર્શન કરવા પહોંચ્યા હતા.

કચ્છથી 450 કિલોમીટરનું અંતર કાપી તેઓ દ્વારકા આવી પહોંચ્યા હતા, પરંતુ ત્યારે સવાલ એ હતો કે તેમને દિવસે તો દર્શન કઈ રીતે કરાવવા, કેમ કે દિવસે તો દર્શાનાથીઓની ભીડ જામેલી હોય છે. તેવામાં આટલી બધી ગાયોને અંદર કઈ રીતે લઈ જવી? ત્યાર બાદ વહીવટી તંત્રએ સ્પેશિયલ ગાયોનાં દર્શન કરવા માટે રાત્રે દ્વાર ખોલવામાં આવ્યાં હતાં. દ્વારકા મંદિરમાં પહેલી વખત એવું બન્યું કે ગાયો માટે મધરાત્રે મંદિરનાં દ્વાર ખોલવામાં આવ્યાં અને 450 કિમી પગપાળા કરીને આવેલી 25 ગાયે મંદિરની અંદર જઈ ભગવાન દ્વરકાધીશનાં દર્શન કર્યાં હતાં. મોડી રાત્રિએ જગતમંદિરમાં આ ઘટના જોઈ સૌકોઈ ભાવવિભોર થઈ ગયા હતા અને તેમને કાનુડાનો ગાય પ્રત્યેનો પ્રેમસંબંધ યાદ આવ્યો હતો.

માવજીભાઈ 25 ગાય અને 5 ગોવાળ સાથે 17 દિવસનું અંતર કાપીને 21મી નવેમ્બરના રોજ દ્વારકા મંદિરે પહોંચ્યા હતા. જે ગાયો પગદંડી પર કાચા રસ્તામાં ચાલતી હોય તે હાઈવે પર પાકા રસ્તામાં ચાલીને દ્વારકા મંદિરે 450 કિલોમિટર કાપી પહોંચે એ એક ચમત્કાર જ કહી શકાય. જગતમંદિરે પહોંચી ગાયોએ કાળિયા ઠાકરનાં દર્શન કરી મંદિરની પરિક્રમા કરી હતી. ઈતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે કે એકસાથે 25 ગાય આટલા કિલોમીટર ચાલીને મંદિરે દર્શન કર્યાં હોય. આ પ્રસંગે મંદિરના વહીવટદાર તંત્રએ અને સ્થાનિકો દ્વારા મહાદેવભાઈ તથા તેમની સાથે આવેલા ગૌસેવકોને પ્રસાદી આપીને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદરૂપ ઉપેણા ઓઠણીથી સન્માનિત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *