ગુજરાતીઓ ઍલર્ટ! રાજ્યમાં હૃદયરોગના દર્દીઓમાં ચિંતાજનક વધારો, રોજના 215 દર્દીઓ જાય છે હોસ્પિટલ

Contact News Publisher

ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હ્રદય રોગના હુમલાથી અચાનક થતાં મોતના કિસ્સા દરરોજ સામે આવી રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. રાજ્યમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઈમરજન્સી કેસ અને શ્વાસ લેવામાં થતી સમસ્યા તથા હાઈફિવરના કેસમાં જંગી ઉછાળો આવ્યો છે.

હ્રદય રોગના હુમલાની વાત કરીએ તો રાજ્યમાં દરરોજ કોઈને કોઈનું હાર્ટ એટેકથી મૃત્યુ થાય છે. કોઈ વ્યક્તિ અચાનક ચિર નિંદ્રામાં પોઢી જાય છે, તો કોઈ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન અચાનક ઢળી પડે છે, કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે. તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા હૃદયરોગના અચાનક હુમલાથી મૃત્યુને ભેટે છે. એકલા રાજકોટમાં જ છેલ્લા 24 કલાકમાં 5 લોકોના હાર્ટ એટેકથી અવસાન થયા છે.

108 ઈમરજન્સી એમ્બ્યુલન્સના ડેટા પ્રમાણે સપ્ટેમ્બર 2022ની સરખામણીએ સપ્ટેમ્બર 2023માં હ્રદય રોગ-કાર્ડિયાકને લગતા કોલ્સમાં 22.63 ટકાનો વધારો થયો છે. એટલે કે સપ્ટેમ્બર 2022માં હ્રદય રોગ-કાર્ડિયાકને લગતા 5253 ફોન આવતા હતા, જ્યારે સપ્ટેમ્બર 2023માં રોગ-કાર્ડિયાકને લગતા 6442 કોલ્સ આવ્યા છે. એકંદરે 22.63 ટકા કોલ્સ વધ્યા છે. સપ્ટેમ્બર 2023માં રોગ-કાર્ડિયાકને લગતા દરરોજના 215 જેટલા કોલ્સ એમ્બ્યુલન્સને મળ્યા છે.

તો શ્વાસ સંબંધિત કેસમાં પણ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 19 ટકા જેટલો વધારો થયો છે. એટલે કે સપ્ટેમ્બર 2022માં શ્વાસ લેવામાં તકલીફના 6937 કોલ્સ 108 એમ્બ્યુલન્સને મળ્યા હતા. જ્યારે આ સપ્ટેમ્બર મહિનમાં 8266 કોલ્સ આવ્યા છે. એટલે કે શ્વાસ લેવામાં તકલીફના એમ્બ્યુલન્સને દરરોજના 275 જેટલા ફોન આવ્યા છે.

તાજેતરમાં હાર્ટ એટેકના ઘણા કેસો સાંભળવા મળે છે. લગ્નમાં હસતા, રમતા અને નાચતા સ્વસ્થ લોકોના હાર્ટ એટેકના કારણે અચાનક મૃત્યુ થતા આરોગ્ય નિષ્ણાતો ચિંતામાં મુકાયા છે. હાર્ટ એટેકના કારણે અનેક યુવાનોના મોતના કિસ્સા પણ સામે આવ્યા છે. કોવિડ બાદ હાર્ટ એટેકમાં અચાનક વધારો થવા અંગે ચર્ચા ચાલી રહી છે, તેની પાછળનું સાચું કારણ શું છે. આવો તમને જણાવીએ કે આ અંગે નિષ્ણાતો શું માને છે. ડોક્ટરનું માનવુ છે કે,  યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. હાર્ટ એટેકના કારણે ઘણા લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે તો ઘણા હોસ્પિટલમાં લઇ ગયા બાદ મૃત્યુ પામે છે. આવો, ડોક્ટરના મતે  હાલના સમયમાં હાર્ટ એટેકમાં વધારો થવાના મુખ્ય કારણો વિશે જાણીએ..