World Cup 2023 : આજે ભારત-પાક.વચ્ચે ક્રિકેટ મહાકુંભનો મહામુકાબલો, અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Contact News Publisher

આજે અમદાવાદમાં વર્લ્ડકપ-2023માં ક્રિકેટની બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનાર છે ત્યારે શહેરમાં ક્રિકેટ ફિવર છવાયો છે. આજે વર્લ્ડ કપની 12મી મેચ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે બે વાગ્યે શરુ થશે. આ હાઈ વોલ્ટેજ મેચ  માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ભારત અને પાકિસ્તાનની ટીમ સાત વર્ષ બાદ ભારતમાં વનડે મેચ રમી રહી છે અને આજે ક્રિકેટના વર્લ્ડ કપનો મહામુકાબલો હોય જેને ધ્યાને રાખીને શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ આજે શહેરના કેટલાક રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દર્શકો માટે પહેલા જ સ્ટેડિયમમાં કેટલીક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેમાં પાણીની બોટલ, ઈલેક્ટ્રીક સિગારેટ, સોફ્ટ ડ્રિંક્સ, સેલ્ફી સ્ટીક, લેસર લાઈટ, છત્રી, પાવરબેન્ક વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. સ્ટેડિયમની અંદર ફક્ત ટિકિટ, મોબાઈલ, પર્સ, ચશ્મા, કેપ તેમજ ઝંડા જ અંદર લઈ જઈ શકાશે.

આજે અમદાવાદમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત

અમદાવાદ શહેરમાં મેચ જોવા માટે લાખોની સંખ્યામાં આવનારા દર્શકોની સુરક્ષા અને સુવિધાને લઈને પણ તંત્ર અને પોલીસ સતર્ક છે. દર્શકોને સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. મેચ જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને VIP મહેમાનો પણ આવશે. જેથી સ્ટેડિયમ સહિત શહેરભરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. મેચને પગલે DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને ગુજરાત પોલીસ તરફથી તમામ વ્યવસ્થા કરી લેવામા આવી છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઈને સ્ટેડિયમમાં ટ્રાફીક ટીમ અસામાજીક તત્વો પર વોચ રખાશે. અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે સુરક્ષા રખાઈ છે. માત્ર સ્ટેડિયમ જ નહીં પરંતુ સ્ટેડિયમ બહાર પણ પોલીસ અધિકારીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાશે. આ મેચમાં 6 હજાર પોલીસકર્મી બંદોબસ્ત તૈનાત રહેશે સાથે NSG, NDRF, RAF સહિતની ટીમો વ્યવસ્થામાં જોડાઈ છે. મેચ દરમિયાન ક્રાઈમ બ્રાંચ, ATSની ટીમ પણ એક એક મુવમેન્ટ પર સતત નજર રાખશે. મેચ દરમિયાન ટ્રાફીક વ્યવસ્થા કરાઈ છે. તથા ટ્રાફિકને અગવડતા ન પડે તે માટે પ્રેક્ષકો મેટ્રોનો વધારે ઉપયોગ કરે તેવી વિનંતી છે. હવે સ્ટેડિયમમાં પોલીસ દ્વારા એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.

અમદાવાદમાં મેચ દરમ્યાન આ માર્ગ વાહનોની અવર-જવર માટે રહેશે બંધ

અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ મલિક દ્વારા બહાર પાડેલા જાહેરનામાં જણાવ્યા પ્રમાણે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે. અમદાવાદ શહેરમાં ‘નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ’ મોટેરા, સાબરમતી ખાતે ICC CRICKET WORLD CUP – 2023ની કુલ 5 મેચો રમાનાર હોય જે મેચો દરમિયાન જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે. જોકે, ક્રિકેટ મેચ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો, આકસ્મિક સંજાગોમાં વાહન સાથે અવર-જવર કરનાર તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને આ જાહેરનામું લાગું પડશે નહીં.