લોકસભા ચૂંટણી પહેલા ઓડિશાનું રાજકારણ ગરમાયું,PM મોદીએ ઓડિશાના CM પટનાયકને ગણાવ્યા મિત્ર

Contact News Publisher

લોકસભા ચૂંટણી પહેલા ઓડિશાનું રાજકારણ ગરમાયું છે. વાત જાણે એમ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના સંબલપુરમાં IIM કેમ્પકનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી નવીન પટનાયકને પોતાના મિત્ર કહ્યા, જેના કારણે કોંગ્રેસ ભડકી ઉઠી છે. ઓડિશા કોંગ્રેસના પ્રભારી અજોય કુમારે BJP અને BJDને રાજકીય ભાગીદાર ગણાવ્યા છે.

સંબલપુર IIM કેમ્પસનું ઉદ્ઘાટન કરતી વખતે PM મોદીએ કહ્યું હતું કે, “મુખ્યમંત્રી, મારા મિત્ર શ્રી નવીન પટનાયક જી.” સાથે જ CM પટનાયકે PM મોદીનું પણ સન્માન કર્યું. તેમણે PM મોદીને “માનનીય વડાપ્રધાન” કહીને સંબોધ્યા. પટનાયકે તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને ઓડિશા આવવા અને IIM સંબલપુરના નવા કેમ્પસના ઉદ્ઘાટનની કૃપા કરવા બદલ મોદીનો આભાર માન્યો હતો.

કોંગ્રેસે આના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, PM નવીન પટનાયક અને તેમના નજીકના સાથી વીકે પાંડિયન વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યા નથી. ઓડિશા કોંગ્રેસના પ્રભારી અજોય કુમારે આરોપ લગાવ્યો કે આ સાબિત કરે છે કે, BJD અને BJP બંને સાથે છે. તેથી જ અમે તાજેતરમાં તેમના સાંકેતિક લગ્નનું આયોજન કર્યું હતું. તેઓ છુપાયેલા જોડાણમાં છે અને પાંડિયને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ચર્ચા કરીને આ બોન્ડ સ્થાપિત કર્યો હતો. BJD હવે અલગ પાર્ટી નથી રહી તે હવે BJP બની ગઈ છે.

ઓડિશા ભાજપના અધ્યક્ષ મનમોહન સામલે આરોપોને રદિયો આપતા કહ્યું, “તેમણે (PM) સંકેત આપ્યો છે કે,.કેટલીક પાર્ટીઓ વિકાસ કાર્યોનો વિરોધ કરી રહી છે. હવે લોકો જોઈ શકે છે કે જો ભાજપ રાજ્યમાં સરકાર બનાવે છે તો તેમના માટે શું કરી શકાય છે.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું, માનનીય વડા પ્રધાને ભારત માટે એક નવી દિશા નિર્ધારિત કરી છે અને અમે આર્થિક મહાસત્તા બનવાના માર્ગ પર છીએ, અમારો પ્રયાસ પૂર્વી ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ બનવાનો છે અને મને ખાતરી છે કે, વડાપ્રધાન આને હાંસલ કરવા માટે કામ કરશે. દરેક જણ જરૂરી સહયોગ આપશે. PM મોદીના વખાણ કરતા પટનાયકે કહ્યું, આજે, અમે પ્રથમ વિશ્વ ઓડિયા ભાષા સંમેલનનું આયોજન કરી રહ્યા છીએ અને તે એક સૌભાગ્યની વાત છે કે ભારતીય ભાષાઓના પ્રેમી વડાપ્રધાન, ઓડિશામાં આપણી સાથે છે.