કંડલા બંદર ખાતે જહાજમાં પાણી ભરાતાં મચી દોડધામ

Contact News Publisher

કંડલા બંદર ખાતે ગત સાંજના ત્રણ નંબરની કાર્ગો જેટી ઉપર કાર્ગો હેન્ડલિંગ વખતે ગત સાંજે ટ્રકમાં આગ લાગવાના બનાવના બીજા જ દિવસે જહાજમાં પાણી ભરાવાના બનાવના કારણે ભારે દોડધામ થઈ પડી છે. જો કે જહાજના તળિયામાં નહીં પણ ટાંકીમાંથી પાણી લીકેજ થયું હતું. પ્રશાસન અને ખાનગી કંપની દ્વારા તુરંત સમારકામની કામગીરી આદરવામાં આવી હતી.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ આ બનાવ 15 નંબરની કાર્ગો જેટી ખાતે સાંજના અરસામાં બન્યો હતો. જહાજમાં કાર્ગો લોડિંગ કરવાની કામગીરી ચાલુ હતી. આ અરસામાં અચાનક અંદાજે 6 ટન વજનની સીડી ઉપરથી નીચે પટકાઈ હતી. ભારેખમ સીડીનો ખૂણો ખૂચી જતાં જહાજમાં પાણી ભરાવાનું શરૂ થયું હતું. શરૂઆતમાં જહાજમાં દરિયાનું પાણી ભરાતું હોવાથી ભારે ચકચાર પ્રસરી હતી. પરંતુ તપાસ દરમ્યાન જહાજમાં રહેલી ટાંકીમાં કાણું પડતાં તેમાં રહેલું પાણી ભરાતું હોવાનું જણાયું હતું. પોર્ટના ડેપ્યુટી કર્ન્ઝવેટર કેપ્ટન ટી. શ્રીનિવાસનો સંપર્ક સાધતાં તેમણે આ બનાવને સમર્થન આપી આ બનાવ સામાન્ય હોવાનું જણાવ્યું હતું અને તાત્કાલિક પંચરના સમારકામની કામગીરી શરૂ કરી દેવાઈ છે અને જહાજ સ્થિર હોવાનું જણાવ્યું હતું. ટાંકીમાં લીકેજ થવાના કારણે જહાજ ડામાડોળ થાય તેવી સ્થિતિ સર્જાઈ ન હતી. પોર્ટના ફાયર ફાઈટરોએ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી જઈ ભરાયેલાં પાણીને બહાર કાઢવાની કામગીરી આદરી હતી અને ટાંકીમાં થયેલા લીકેજનું વેલ્ડિંગ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જહાજ બર્થ ઉપરથી જવાની તૈયારીમાં હતું ત્યારે આ બનાવ બન્યો હતો. સમારકામની કામગીરીમાં વિલંબ થવાથી જેટી ઉપરથી રવાના થવામાં વિલંબ થયો હતો. જો ત્વરિત કાર્યવાહી ન થઈ હોત તો જહાજ ડામાડોળ થવાની શકયતા જાણકારોએ વ્યકત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *