વિરાટનો બર્થડે અને ભારતની મેચ: કિંગ કોહલીના રંગે રંગાઈ જશે આખું સ્ટેડિયમ, સેલિબ્રેશન માટે થઈ રહી છે ખાસ તૈયારી

Contact News Publisher

વર્લ્ડ કપ 2023માં ભારત પોતાની 8 મી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે. આ મેચ 5 નવેમ્બરના રોજ કોલકત્તાના ઈડન ગાર્ડનમાં રમવામાં આવશે. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીનો 5 નવેમ્બરના રોજ જન્મદિવસ છે. કિંગ કોહલીનો બર્થડે યાદગાર બનાવવા માટે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલે ખાસ વ્યવસ્થા કરી છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચની તમામ ટિકીટોનું વેચાણ થઈ ગયું છે. આ મુકાબલા દરમિયાન સ્ટેડિયમમાં 70 હજાર દર્શકો હાજર રહે તેવી સંભાવના છે. બંગાલ ક્રિકેટ સંઘે તમામ દર્શકોને મફતમાં વિરાટ કોહલીના મહોરાં વિતરિત કરવાની તૈયારી કરી લીધી છે.

ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલે કોહલીના માસ્ક વિતરિત કરવાની સાથે મેચ પહેલા કેક કટિંગ કરીને કોહલીને એક મોમેન્ટો આપીને સમ્માનિત કરવાનું પ્લાનિંગ કર્યું છે. CAB અઘ્યક્ષ સ્નેહાશીષ ગાંગુલીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, આ બાબતે ICC મંજૂરી આપે તેવી આશા છે. અમે કોહલીના જન્મદિવસને ખાસ બનાવવા માંગીએ છીએ.

મેચ દરમિયાન સ્ટેડિયમમાં તમામ ફેન કોહલીનું માસ્ક પહેરીને અંદર આવે. કોહલીના જન્મદિવસે 70 હજાર માસ્ક વિતરિત કરવાની યોજના છે. નવેમ્બર 2013માં સચિન તેંડુલકરે 199મી ટેસ્ટ મેચ રમી હતી, ત્યારે પણ બંગાલ ક્રિકેટ સંઘે આ પ્રકારનું આયોજન કર્યું હતું. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 6 મેચમાં એક સદી અને 3 અડધી સદી ફટકારી છે. કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં 48મી સદી ફટકારી હતી.