ભાવનગરમાં ઘણા દિવસ બાદ મનપાએ એક દિવસમાં 42 રખડતા ઢોર પકડયા

Contact News Publisher
ભાવનગર : ચોમાસાની ઋતુમાં ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી જતો હોય છે તેથી મનપા દ્વારા રખડતા ઢોર પકડવાનો ખાનગી કોન્ટ્રાકટ આપી કામગીરી કરાવવામાં આવતી હોય છે પરંતુ આશરે એક માસ પૂર્વે રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાકટ પૂર્ણ થઈ ગયો હતો તેથી રખડતા ઢોર પકડવાની કામગીરી ધીમી પડી ગઈ હતી. રખડતા ઢોર મુદ્દે કડક કામગીરી કરવા કોર્ટે હુકમ કરતા ભાવનગર મનપાએ આજે મંગળવારે ઘણા દિવસ બાદ એક દિવસમાં ૪ર રખડતા ઢોર પકડયા હતાં.

ભાવનગર શહેરમાં મનપા દ્વારા થોડા દિવસથી ઢોર પકડવાની કામગીરી ધીમી કરવામાં આવતી હતી પરંતુ આજે મંગળવારે મહાપાલિકાએ રખડતા પશુઓના મામલે લાલ આંખ કરી છે. આજે મહાપાલિકાએ રખડતા ઢોર પકડવાની કામગીરી ઝડપી બનાવી હતી અને એક દિવસમાં ૪ર રખડતા પશુ પકડી ઢોર ડબ્બામાં પુરી દીધા હતાં. રૂપાણી, સરદારનગર, શીવાજી સર્કલ, વાઘાવાડી રોડ વગેરે વિસ્તારમાં મહાપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેથી ઢોર છુટા મુકી દેતા કેટલાક પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરમાં આમ તો આખુ વર્ષ રખડતા ઢોરનો ત્રાસ રહેતો હોય છે પરંતુ આ ત્રાસ ચોમાસાની ઋતુમાં ખુબ જ વધી જતો હોય છે તેથી લોકો પરેશાન થઈ જતા હોય છે. ચોમાસાની ઋતુમાં રખડતા ઢોરનો ત્રાસ ઘટાડવા માટે મનપા દ્વારા ખાનગી કોન્ટ્રાકટ આપવામાં આવતો હોય છે અને આ કોન્ટ્રાકટના તેમજ મનપાના કર્મચારીઓ દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી હોય છે. કોન્ટ્રાકટ શરૂ હતો ત્યારે રોજ આશરે ૩૦ રખડતા ઢોર પકડી મનપાના ઢોર ડબ્બામાં પુરવામાં આવતા હતા પરંતુ ગત તા. ર૬ સપ્ટેમ્બરે રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાકટ પૂર્ણ થઈ ગયો છે તેથી ત્યારબાદ રખડતા ઢોર પકડવાની કામગીરી ધીમી પડી ગઈ હતી. રોજના આશરે ર૦ રખડતા પશુ પકડવામાં આવતા હતાં.

મહાપાલિકા પાસે હાલ ૩ ઢોર ડબ્બા છે અને આ ત્રણેય ઢોર ડબ્બામાં રખડતા ઢોર રાખવામાં આવે છે. મનપાના ત્રણેય ઢોર ડબ્બામાં મળી આશરે ર,૩૦૦ ઢોર છે અને મનપા દ્વારા તેનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. મનપા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે છતા કેટલાક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળતો હોય છે.

ભાવનગર સહિત રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ છે તેથી સરકાર દ્વારા રખડતા પશુઓનો ત્રાસ ઘટાડવા નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. નવા નિયમ મુજબ મનપા રખડતા ઢોર પકડે અને પશુપાલક છોડાવવા આવે તો તેણે રૂ. ૩ હજાર દંડ અને રૂ. ૧ હજાર પશુનો નિભાવ ખર્ચ આપવાનો રહેશે. એક દિવસમાં પશુપાલકે રૂ. ૪ હજાર દંડ ભરવો પડશે અને જેમ દિવસ વધતા જાય તેમ તેમ રૂ. ૧-૧ હજાર નિભાવ ખર્ચ વધતો જશે. જુના નિયમ મુજબ રૂ. ૧ હજાર દંડ, રૂ. પ૦૦ વહીવટી ખર્ચ અને રૂ. ર૦૦ નિભાવ ખર્ચ લેવામાં આવતો હતો તેમ મનપાના સુત્રોએ જણાવેલ છે. ડબલથી વધુ દંડ કરવામાં આવી રહ્યો છે ત્યારે પશુપાલકોએ જાગૃત થવુ જરૂરી છે.