13 ઓગષ્ટ થી 15 વર્ષ જૂનાં વાહનો ભલે જપ્ત કરો ,પણ શરૂઆત ST બસો થી કરજો

Contact News Publisher

ફેકમ ફેક : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

 

એરપોર્ટ ઉપર ફિલ્મ અભિનેતા અને અભિનેત્રી (હું જાણી જોઈને ફિલ્મ હસ્તીઓ નથી લખતો, કેમકે એ હસ્તીઓ છે નહીં) , અને સંસદ માં નેતાઓની ગાડી પાછળ દોડ્તાં પત્રકારોને જોઈને એટલું દુઃખ થાય છે ,જેટલું જ્યારે કોઈ ઘરનાં દરવાજે માંગણ આવ્યો હોય અને ઘરમાંથી અવાજ આવે : ઘરમાં કોઈ નથી , હાલ્યા જાઓ. એવું સાંભળીને થાય છે.

હું ભિક્ષા વૃત્તિની ખિલાફ છું, 

નાઝીર દેખૈયાની કવિતા યાદ આવે : હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,

હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

અરે માંગવા કરતાં છીનવી (અહીં કોઈને થપાટ મારીને છીનવી લેવાની વાત નથી, મહેનત કરીને આપનો હક્ક , આપણો અધિકાર લઈ લેવાની વાત છે – વરી આપ કહેશો કે ફેકમ ફેકમાં  લખેલું , ઝટિ લ્યો !) લેવું સારું. 

જોકે એન્ગલ થોડો બદલું તો આપ મારો બીજી વાતમાં ફસાઈ શકો છો…

આ વાત ને આગળ વધારું એ પહેલાં મારાં ફેરવીટ ( મારાં બા ને અંગ્રેજી બોલવાનો ભારે શોખ , બીજી ભાષામાં કહું તો જેમ અંગ્રેજો આપણી સંસ્કૃતિ , આપણી સંસ્કૃત , આપણી હિન્દી સાથે જે અત્યાચાર કર્યો , આપણી જ ભાષા ની જે પથારી ફેરવી , અને આપણે પાછા એને ગૌરવ થી બોલીએ ખરા ! દા.ત. એ ભાઈ પૂરું લખો , બાજુમાં બેઠો જીવો આ બધું જોયા કરતો હતો, એની ટકોર માથા ઉપર , હા – દા. ત. એટલે દાખલા તરીકે રવીન્દ્રનાથ ઠાકુર નું અંગ્રેજોએ રવીન્દ્રનાથ ટાગોર કર્યું, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પહેલાં  અજય જાડેજા – જે આપને યાદ હશે કે અઝહરૂદિન સાથે મેચ ફિક્સિંગમાં જેમનું નામ આવી ગયેલું, હા , તો અજય જાડેજા નું અંગ્રેજી કૉમેન્ટરોએ અજય ” જડેજા ” કરી નાખ્યું , અને એ સિલસિલો આજ દી સુધી ચાલે છે , આગે સે ચલી આતી હૈ વારો તાલ – હવે રવિન્દ્ર જાડેજાનું પણ થયું રવિન્દ્ર જડેજા , ઐયા સુધીયે # એ ભાઈ સરખું લખો – ભીખાએ પણ ટકોર કરી , હા ભાઈ – અહીંયા સુધીયે ઠીક હતું પણ હસવું તો ત્યારે આવ્યું કે રવીન્દ્રસિંહ જાડેજા નાં ધર્મ પત્ની રિવાબા એ પણ ફેસબુકમાં લખેલું : રવિન્દ્ર જડેજા , અરે આટલું પણ આંધળું અનુકરણ કે આટલો પણ કોઈનો પ્રભાવ ન હોવો જોઈએ. )

હા, તો મારાં બા પણ જાણે અંગ્રેજો સાથે વેર વાળતાં હોય એમ અંગ્રેજી ભાષાની પથારી ફેરવી નાંખતા !

હા, તો મારાં ફેરવીટ (સમજી ગ્યા ને શું કહેવા માગું છું ? આમ તો કમ્યુનિકેશન થાય એ ભાષા , હું કહું જે તમે સમજો એ ભાષા , કૃષ્ણ વાંસળીને વગાડે અને ગાય એની રીતે ,ગોપીઓ એની રીતે સમજે અને નાચવા લાગે એ ભાષા , આતો અભિવ્યક્તિ જ ટૂંકી પડે એટલે જ શબ્દોની જરૂર પડે , # હા, એ તો અમેય હમજી રયા , તમે પણ ક્યારનાં ફેંકો છો , તમારી પાસે અભિવ્યક્તિ નથી એટલો તો આટલું લેક્ચર વાચકોનાં મગજમાં ઠોકી રહ્યા છો , બાકી આવડા શબ્દોની ક્યાં જરૂર છે – એક સાથે ભીખો – જીવો – કાનો અને મધરીયો મારી ફરતે આવીને મને આડે હાથે લીધો ; )

હા , તો મારા ફેરવીટ ,

# અરે ભાઈ ફેરવીટ નહીં ફેવિરીટ બોલાય ,

મેં કહું ok ફેવરિટ બસ…

આ નહિ હમજે અરે ફેવિરીટ – ચારેય મારા માથે ઊભા રહી ગ્યા..

હા ભાઈ ઈ જ,

હા, તો મારા ફેવિરિટ કૃષ્ણનો એક પ્રસંગ યાદ આવી ગ્યો, મહાભારત યુદ્ધ પહેલાં જ શકુનિ મામા પહેલાં જ દિવસે કૃષ્ણ સામે આવીને ઊભા રહીને કહ્યું : કૃષ્ણ આપ જેમની બાજુ છો એ તમામ હારશે, અમારી બાજુ જુઓ – ગુરુ દ્રોણાચાર્ય , ભીષ્મ , કર્ણ , દુર્યોધન જેને કોઈ મારી કે હરાવી શકે એમ નથી.

ત્યારે કૃષ્ણ એટલું જ બોલેલા : સાચું મામા શ્રી – આ ચારેય ને કોઈ હરાવી શકે એમ નથી , પણ આપને યુદ્ધ થાય એ પહેલાં ક કહી દઉં છું કે આ ચારેય મરશે ,  પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે હું જ આ ચારેયને મારીશ !

હા, આમ નહિ મરે મનેય ખબર છે , પરંતુ દગા થી એમને મારીશ….

મને શ્રી રામ ગમે , પણ કૃષ્ણ થી મને પ્રેમ છે , એ મિત્ર છે , એ ગુરુ છે.

કૃષ્ણને કોઈ બીબામાં કે કોઈ ઢાંચામાં ઢાળી ન શકો,

શ્રી રામ કહેશે રઘુકુળ રીત સદા ચલી આઈ , પ્રાણ જાયે પણ વચન ન જાયે.

કૃષ્ણમાં એવું નથી, વચન જાય તેલ લેવા – અહીં ધર્મ શું છે ? એની જ વાત આવે…

# થોડીવાર કોઈ કઈ ન બોલ્યું , મનેય મનમાં થોડો અહમ પેદા થ્યો , કોઈ TV કે મંચ મળી જાય તો આપણેય બીજા ધતિંગ અને ધૂતારાની જેમ હાલીએ એમ છીએ…

પણ કહેવાય ને વહેમ ક્યાં ઝાઝો ટકે.

ધડામ…. ચારેય જણા એક સાથે ચા નાં કપ હેઠા મૂકીને મારી સામે આખો કાઢીને બોલ્યા : શું યાર ફેંકુની જેમ (ઓય ,મેં ચારેયને રોક્યા – ભાઈ copy right નાં ચક્કરમાં આપણે નથી પડવું – કહેવું જ છે તો ફેકમ ફેક કયો ; મેં ય ચારેયને ટોકયા.) તો ચારેય બોલ્યા : હા , ક્યારનાં ફેકમ ફેક કર્યા કરો છો , અમે ચા પીતાં હતા એટલે ચૂપ હતા , આ તો તમે જામી પડ્યા યાર…

હા , વાત નાઝીર દેખૈયા થી શરૂ થઈ હતી પણ આવી ગઈ કૃષ્ણ ઉપર ,

વાંધો નહીં એમાં શું ? વર્તમાન સરકાર આવી હતી અચ્છે દિન , મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત લઈને પણ પહોંચી  ગઈ ક્યાં ! 

મધરીયાએ અચાનક કરેલ આવી વાત થી અમે ચારેય ચોંકી ઉઠ્યા.

ઢગા પણ ક્યારેક સમજદારીની વાતો કરી લે છે – મેં જીવલાની વાત પૂરી થાય એ પહેલાં જ પૂછ્યું કે કોની દિલ્હી અને ગાંધીનગરની વાત કરશ ? 

જીવાએ કહ્યું : ના રે ના , હું તો મધરીયો આટલી સરસ વાત કરી તો એને કહું છું.

સાચું કહું તો ચારેય મારા મગજનો રાયતો કરી નાંખ્યો હતો આજે – # એય ભાઈ એમ નથી : મગજનું દહીં કરી નાખ્યું એમ છે !

હું ચોંક્યો – સાલું આ કાનીયાને મનની વાત સંભળાઈ જાય છે – છે હો જબરો , ખાલી મોટી દાઢી જ નથી !

શું કહ્યું ? કાનીયાએ વરી સવાલ પૂછ્યો ,પણ હું લફમાં પડવા કરતાં વિષય ઉપર જ આવું.

નાઝીર તો ખુદા પાસે પણ ક્યાં માંગે છે – અને આપણે એરપોર્ટ ઉપર હીરો હિરોઈનનાં છેક ચંપલા કે બુટ થી લઈને કેમેરો ધીમે ધીમે ચહેરા સુધી લઈ જઈએ # જીવાએ મને અટકાવ્યો ખોટી વાત – બધે એમ ન હોય હિરોઈન હોય તો કેમેરા થોડી વાર વચ્ચમાંય પોરો ખાય પછી ધોરા (ઇ તો મેકઅપ વારા હોય – કાનીયાએ જ્ઞાન છતું કર્યું ) હા, મને ન સમજાવ – જીવો ને કાનો સામસામે આવે એ પહેલાં જ મેં જ જીવાને વાત પૂરી કરવા કીધું : હા તો છેક ચપ્પલ થી માથાનાં વાળ સુધી કેમેરો લઈ જાય , ત્યાં તો પેલી હિરોઈન સ્માઈલ (ખોટી ઈસ્માઈલ હો ઇ તો …) જો ભાઈ આ કાનીયાને કયો વચ્ચે બોલ બોલ કર્યા કરે છે….

એ કાના ચૂપ , હા તો જીવા બોલ તું.

શું બોલું , બસ પછી હિરોઈન હાલી જાય…

બધાને ખાર ગ્યા, પણ આતો જીવો કંઈ ન કહેવાય.

આ લોકોના ચક્કરમાં મારી વાત રહી ગઈ.

એરપોર્ટ ઉપર હીરો – હિરોઈન પાછળ દોડતાં અને સંસદ અને વિધાનસભામાં બાઈટ કે તસવીરો લેવા નેતાઓની ગાડી પાછળ દોડતાં પત્રકારોની દયા આવે છે.

એમાં વાંક અમારાં પત્રકારોનો નથી, લોકોને આવું ગમે છે , લોકો ઈચ્છે એ પીરસાય છે.

અને આ કઠણાઈ આપણા દેશની છે કે સાચી ખબરો ક્યાંક પડી છે અને વાચકોને રસ વાહિયાત સમાચાર વાંચવા અને જોવામાં છે – તો શું કરે પત્રકાર ?

મારો આ સવાલ અને સામે બેઠેલા ચારેય જણ મને જેટલું ધ્યાન થી સાંભળતા હતા એ જોઈને મને અફસોસ થયો કે આટલી સમજ કાશ ભણેલ લોકોમાં પણ હોત…

સાચે જ અમે પત્રકાર આપ વાચકો અને દર્શકોનાં કારણે બિચારા થઈ ગયા છીએ, શું પીરસવું એ આપના ટેસ્ટ ઉપર છે , છાપું કે ચેનલ ચલાવવી એ અમને જાહેરાત આપનાર લોકો કે રાજકીય પક્ષો ઉપર નિર્ભર છે,

શું એવું ન થઈ શકે કે આપ જ નિર્ણય લ્યો અમારે વાહિયાત સમાચાર વાંચવા કે જોવામાં રસ છે જ નહીં. બીજું સરકારને અમે કહીશું કે જેમ સાંસદો , ધારાસભ્યો પગાર લે છે એમ દેશના નાગરિકનો એક એક રૂપિયો જ્યાં ત્યાં નહીં વપરાય પણ જે દેશ માટે કામ કરે છે એમની માટે વપરાશે… મને લાગે છે આવું આજે નહીં પણ ક્યારેક તો થશે જ , ત્યારે પત્રકાર કોઈના ગુલામ નહીં હોય અને નેતાઓ કોઈના બાપ (આજે જેમ લાખો રૂપિયા પગાર લઈને રાજાઓની જેમ જલ્સા કરે છે એમ) નહીં હોય..

 

છેલ્લે દડે છક્કો : 13 ઓગષ્ટ થી 15 વર્ષ જૂનાં વાહનો ભલે જપ્ત કરો ,

પણ શરૂઆત ST બસો થી કરજો ;

 ST ની શું વાત કરો છો સાહેબ ,

ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ પાટીલે આ નિયમ ૨૦૨૦ ચુંટણીમાં લાગુ કર્યો હતો,

ફરક એટલો જ હતો કે અહિયાં વાહનની જગ્યા એ ત્યાં વડીલો હતા.

 

maa news live : Youtube / Dailyhunt /

Fb / instagram / Twitter / Telegram

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *