ચીનમાં જિનપિંગને ભણશે વિધાર્થીઓ , ભારતમાં મોદીનાં હશે પાઠ ત્રણ ચાર ?

Contact News Publisher

ફેકમ ફેક : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

 

આજે બુદ્ધિયો , કાનો , ઈશો , નૂરો , ગાભો પાંચ જણા ચાની લારીએ ગાંધીનગર અને દિલ્હી વારાને પણ પાછળ રાખે એવા દેવામાં જામ્યા હતા.

ત્રણ દી જલ્સા …

શું જલ્સા ? 

કાના ની વાતને કાપતાં ગાભો બોલ્યો,

ખિસ્સા ખાલી , મોંઘવારી આસમાને એમાં વરી કેવા જલ્સા?

હું સમજી ગયો આ દુઃખ શેનું હતું !

આમ તો લોકોને ઝાઝી ચિંતા ન હોય પણ, જ્યારે વારે તહેવારે ઘરમાંથી માઁ , પત્ની કે બાળકો આ ફેરે ક્યાં જશું ફરવા કે આ સાતમ આઠમનાં શું શું બનાવશું એવો સવાલ ઘરમાં મુખીયાને કરે ત્યારે ખાસ ખબર પડે છે કે સાલું ખીસ્સું ખાલીખમ છે.

શનિવારે રાંધણ છઠ્ઠ , રવિવારે સાતમ અને સોમવારે લાલાનો happy birthday એટલે કે આઠમ ..

આ ફેરે હમીરસર ખાલી , એનો કાંઠો ખાલી અને ખિસ્સા પણ ખાલી… બુદ્ધિયાએ નિઃસાસો નાંખ્યો.

અરે ભાઈ સાદાઈ થી ઉજવશું તહેવાર બીજું શું – ઈશા એ જાણે આશ્વાસન આપ્યું.

હું બાજુમાં ચાની ચુસ્કી મારતો બધું સાંભળી રહ્યો અને મનોમન વિચારી રહ્યો હતો કે સાલું જ્યારે ગામડાં રહેતાં ત્યારે ભલે કંઈ નતું , પણ તહેવારો મસ્ત ઉજવાતાં- આજે ગામડું હોય કે શહેર કઈક તો ઓટ આવી જ ગઈ છે- એ પછી રૂપિયાની હોય કે ઉજવણીની.

એવુંય નથી કે રૂપિયા હોય એય જલ્સા કરે છે ! એ લોકો વધુ ભેગા કરવામાં જે છે એની મજા નથી માણી શકતાં- મારાં મનની વાત જાણે નૂરો સાંભળી ગયો હોય એમ ગાભા સામે જોઇને બોલ્યો.

અરે મોંઘવારીની ચર્ચા કરીએ તોય એકાદ બે બાજુમાં ઉભેલ વ્યક્તિ આપણાં ઉપર ગુસ્સે થઈને બોલે : જુઓ અફઘાનિસ્તાનની હાલત , અરે ત્યાં પેટ્રોલ સસ્તું છે , પણ તાલિબાનીનો કેવો કહેર  છે , એવું જ હોય તો ચાલ્યા જાઓ અફઘાનિસ્તાન !

સાચી વાત કાલે મને પણ એક જણે આવી જ વાત કરીને ચૂપ કરાવી દીધો – ઇશાએ પણ ગાભાની વાતને સુર પૂરાવતાં બોલ્યો.

હું વચ્ચે નતો પડવા માંગતો , મનોમન જ હું મારી વાતને અંદર જ દબાવી કે : નથી અમારે અફઘાનિસ્તાન જવું કે નથી 100 રૂપિયે પેટ્રોલ ડીઝલ ભરાવવું, અરે જયારે પણ કોઈ વાત કરીએ કે તરત વાત ભક્તિની વચ્ચે આવી જાય ; હદ છે યાર…

સારું થયું આ ફેરે મારા મનની વાત કોઈએ સાંભળી નહીં, નહીંતર  પાંચ માંથી એક જણ તો ટાપ્સી જરૂર પૂરાવત.

યાર મુકોને બીજી કોઈ વાતું કરીયે , એક તો તંગી અને વરી આવી ચર્ચાઓ કરીને ચડેલી ચા નો નશો પણ ઉતારી નાંખો છો – કાના એ આ મોંઘવારીની ચર્ચાને જાણે પૂર્ણવિરામ મૂક્યું હોય એમ બોલ્યો.

વરસાદ ઠાગો કરી ગયો ભાઈ – નૂરાએ નવો વિષય જાણે સ્ટાર્ટ કર્યો હોય એમ બોલ્યો.

હા યાર ખેતમાં ભૂતડી ઊભી છે , જો વરસાદ નહિ પડે તો પડ્યાં ઉપર પાટુ જેવી સ્થિતિ થશે.

 સાચું કહું તો આજે મને બુદ્ધિયાના તેવર કંઈક બરાબર ન લાગ્યા , આજે એ વાત વાતમાં શાયરનાં અંદાજમાં વાત કરતો હતો.

આઠો જામ ખુમારી
અમૃત ” ઘાયલ “

મનેય થયું કે ઘાયલ ,

શૂન્ય , બેફામ કે નાઝીરની ગઝલો વાંચી આવ્યો હશે….

 

બુદ્ધિયો મૂડમાં હતો , અને તહેવારમાં મૂડ ખરાબ ન થાય એટલે બીજા ચાર પણ આજે એને વામવા દેવામાં સહમત હોય એમ એની સામે તાકી રહ્યા !

 

એ ભાઈ આતે કેવી છે સરકાર ?

ખેતરમાં ટેન્કર અને ખેડૂ બહાર !

 

વાત નર્મદાની કરજો નહિ કોઈ,

ભક્તોને આવશે નહીંતર ખાર !

 

વાત તો હતી મેક ઇન ઇન્ડિયાની,

આ તો વેચાય છે બધું બારોબાર !

 

નર્મદાનું કચ્છમાં રાજકારણ થયું ,

નેતા લીલા થયા, ખેતર થ્યા ખાર.

 

આજે વેચાય છે ,કાલે મળશે પાછું ?

સવાલ અંદર થયા કરે છે ભારોભાર.

 

ચીનમાં જિનપિંગને ભણશે વિધાર્થીઓ,

ભારતમાં મોદીનાં હશે પાઠ ત્રણ ચાર ?

 

માસ્તર “બિચારો” અમસ્તા થોડું કહેવાય,

ચૂંટણી કે કોરોના નાંખો એની માથે ભાર.

 

ભણવું નથી , ભણાવવાનું છે સ્વપ્ન,

સરકારી નિશાળનો છે આ ચિતાર !

 

રહી રહી ને રમેશ જોશી જાગ્યા ખરા,

કલેક્ટરની બદલીનો શું છે જી.આર ?

 

જો સાઈઠ વર્ષમાં કંઈ થયું જ નથી,

તો વેચો છો એ આવ્યું ક્યાંથી યાર ?

 

60 વર્ષનાં ભાભા લડશે નહીં ચૂંટણી,

MP MLA માટે BJP નાં નિયમ ધાર

 

ઉત્સવ આ ફેરે નહીંનો નિયમ આંખ માથે,

યાત્રા કાઢનાર નેતા ઉપર પણ કરો FIR

 

બસ બસ , યાર તું અમનેય ફસાવીશ…..

બુદ્ધિયાની કાવ્ય યાત્રાને વચ્ચેથી જ નૂરાએ અટકાવી .

 

સાચું કહું તો મને રસ જાગ્યો કે હુંય એકાદ બે પંક્તિ ફટકારી દઉં,

પણ મારા મનની વાત મનમાં જ રહી , આમેય આજે ભારતમાં દરેક જણ થોડો પોતાનાં મનની વાત કરી શકે છે …..

બખ્તાવર ભુટ્ટો

છેલ્લે દડે છક્કો : પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટો નાં પુત્રી બખ્તાવર ભુટ્ટોએ મહિલાઓની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી છે, પુરુષો ને જાહેર સ્થળે ત્યારેજ છૂટ મળવી જોઈએ , જ્યારે તેમની સાથે એમની માતા , બહેન કે પત્ની હોય ….

 

maa news live : Youtube / Dailyhunt /

Fb / instagram / Twitter / Telegram

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *